માર્કેટીંગ યાર્ડ પાસે બાઈક અથડાવી પેઢીના બંને કર્મચારીને છરી બતાવી બે શખ્સોએ ચલાવી લૂંટ
જૂનાગઢના માર્કેટીંગ યાર્ડ નજીક આવેલા સીંગદાણાનાં કારખાનાના બે મહેતાજી સમી સાંજે પોતાની પેઢીના રૂ૯.૯૦ લાખ બાઈક પર લઈને જઈ રહ્યા હતા ત્યારે મોઢે માલ બાંધીને પાછળથી બાઈક પર બે આવેલા શખ્સોએ પોતાનું બાઈક ભટકાડી નીચે પછાડી દીધા હતા અને છરી બતાવી રોકડ સાથેનો થેલો લઈ નાસી છૂટેતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે બંને લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી પણ બાઈક સવાર લૂંટારાના સગડ મળ્યા ન હતા.
પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી તિરૂપતિ કોર્પોરેશન નામની સીંગદાણાની પેઢીનાં મહેતાજી હરેશભાઈ જમનાદાસ લોહાણા અને અપૂર્વ રાજનભા ગઢીયા શુક્રવારે બપોરે આઝાદ ચોકમાં આવેલ આંગડીયા પેઢીએ ગય હતા અને ત્યાંથી રૂપીયા નવ લાખ નેવું હજારની રોકડ લઈ બાઈક મારફત પાછા પેઢીએ આવવા નિકળ્યા હતા તેઓએ માર્કેટીંગ યાર્ડ રોડ પર સબયાર્ડ પાસે પાછળથી એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા.
તેઓએ પોતાની બાઈક મહેતાજીની બાઈક સાથે અથડાવી મહેતાજી અને બીજા કર્મચારીને પછાડી દીધા બાદ એક શખ્સે છરી બતાવી થેલો આંચકી નાસી છૂટયા હતા હરેશભાઈ જમનાદાસ લોહાણાએ લૂંટારાઓ વિરૂધ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે માર્કેટીંગ યાર્ડ પાસે થયેલી લુંટમાં ૨ આરોપીની એલ.સી.બી.એ ધરપકડ કરી રૂ૬ લાખની રોકડ રીકવર કરી છે.