એશિયા-પેસીફીકમાં ભારત અને જાપાનની મિત્રતાએ રાજનીતિની નવી ધરી રચી: આતંકવાદના પડકાર સામે એક થવાનું આહવાન
રૂ.૧.૧૦ લાખ કરોડના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુટલે ટ્રેનના પ્રોજેકટથી ભારત અને જાપાનની મિત્રતા ખુબજ ગાઢ બની છે. આ બન્ને દેશોની વધતી નજદીકીયાથી ચીન અને પાકિસ્તાન દંગ થઈ ગયા છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબેની ભારત યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી, કનેકટીવીટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્પોર્ટસ સહિતના ક્ષેત્રોમાં ૧૫ જેટલા કરાર થયા હતા. શક્તિશાળી જાપાન ભારતના હિતમાં અને મજબૂત ભારત જાપાનના હિતમાં હોવાનું વિધાન સાર્થક થવા જઈ રહ્યું છે.ભારત અને જાપાનની મિત્રતાએ એશિયા-પેસીફીક રાજનીતિને નવી ધરી આપી છે. આ મુલાકાત માત્ર બુલેટ ટ્રેન પુરતી જ સીમીત નથી પરંતુ ચીન જેવા વિસ્તારવાદી દેશને લોકશાહીનો સીધો સંદેશો પહોંચાડવાની પણ છે. ચીને જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાતે જુથબંધીનો આડકતરો ઈશારો પણ કર્યો છે. ભારત અને જાપાનનો એશિયા, આફ્રિકા ગ્રોથ કોરીડોર અત્યારથી જ ચીનના સિલ્ક‚ટનો હરિફ માનવામાં આવી રહ્યો છે.પાકિસ્તાન જેવા આતંકના પ્રેરક દેશની સામે સંરક્ષણ માટે જાપાનની એર ડિફેન્સ ફોર્સ સાથે ભારતીય સેના અને એરફોર્સ વચ્ચે કરાર થયા છે. ઈન્ફોર્મેશન અને ગુપ્ત માહિતીનું આદાન-પ્રદાન રહે તે અંગે પણ નિર્ણયો લેવાયા છે. મુંબઈ અને પઠાણકોટ હુમલાના જવાબદારોને પાઠ ભણાવવાની વાત પણ બન્ને દેશોએ કરી છે. અલ કાયદા, આઈએસઆઈએસ, જૈસ એ મહમદ, લશ્કર એ તોયબા સહિતના આતંકી સંગઠનો સામે એક થઈને પગલા લેવા પણ બન્ને દેશો સહમત થયા છે. પરિણામે પાકિસ્તાન અને પાકિસ્તાનને ટેકો આપનાર ચીનના પેટમાં તેલ રેડાયું છે.બન્ને દેશો વચ્ચેના સંયુકત નિવેદનમાં ઈન્ડો-પેસીફીક સીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મુલ્ય આધારિત એવું ભારતીય-પ્રસાંત ક્ષેત્ર કે જયાં સર્વભોમત્વનું માન સચવાતું હોય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન થતું હોય, વિવાદનો ઉકેલ સંવાદોથી આવતો હોય અને નાના-મોટા દેશ સમુદ્રમાં મુકત રીતે પરિવહન થઈ શકે તેવી સ્વતંત્ર્તા ધરાવતા હોય તે સહિતનો ઉલ્લેખ છે. આ નિવેદનમાં ડોકલામ કે અન્ય વિવાદોનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.