નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે યથાવત રાખવા હોય તો ઉત્તરપ્રદેશમાં યોગીને મુખ્યમંત્રી બનાવવા જ પડે : ઉત્તરપ્રદેશમાં શહેનશાહની સ્પષ્ટ વાત
અબતક, નવી દિલ્હી : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશમાં મહત્વપૂર્ણ નિવેદન આપતા સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જો વડાપ્રધાન પદે યથાવત રાખવા હોય તો ઉત્તરપ્રદેશમાં યોગીને મુખ્યમંત્રી બનાવવા જ પડશે. આ ઉપરાંત 2022ની ચૂંટણી 2024ની સફળતાના પાયા નાખશે તેમ તેઓએ જણાવ્યું હતું.
લખનઉમાં અમિત શાહએ ‘મારો પરિવાર-ભાજપા પરિવાર’ સૂત્રની સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્યતા અભિયાનની શરૂઆત કરી હતો. તેમણે અવધ પ્રદેશના પાવર સેન્ટર કન્વિનર અને પ્રભારીઓને સંબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે ભાજપના લોકો કમળનો ધ્વજ અને સૂત્રોચ્ચાર લઈને ચાલે છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓમાં ખળભળાટ મચી જાય છે. આ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, ‘આ ચૂંટણી ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવાની ચૂંટણી છે. દિવાળી પછી ચૂંટણી અભિયાન જોર પકડશે અને સમર્પણ દેખાડીને કાર્યકર્તાઓએ તેમાં જોડાઈ જાય. તેઓએ આગામી વર્ષે યોજાનાર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને તમામ અટકળોને નકારતા અમિત શાહે જણાવ્યું છે કે જો 2024માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવું હોય તો 2022માં એકવાર ફરી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા પડશે.
અમિત શાહે વધુમાં જણાવ્યું છે કે, 2022માં એકવાર ફરી ભાજપાને 300થી વધુ બેઠકો અપાવો, અમે યુપીને દેશમાં નંબર વન રાજ્ય બનાવીશું. મોદી વડાપ્રધાન છે અને તેઓ યુપી જે ઈચ્છે છે તે તાત્કાલિક આપે છે. 2024ની લોકસભાની ચૂંટણીનો પાયો 2022ની ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી નાખશે. હજુ તો યુપીમાં ઘણું બધું કરવાનું છે. અમે ફરીથી ચૂંટણી ઢંઢેરો લઈને આવીશું અને જે કહીશું તેણે સો ટકા પુરો કરીને 2027માં ફરીથી તમારી પાસે આવીશું. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 2017 પછી ભાજપાએ ઉત્તરપ્રદેશને તેની વાસ્તવિક ઓળખ અપાવી અને પ્રદેશને વિકાસના નવા રસ્તા પર આગળ વધાર્યો છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપાએ દેખાડ્યું છે કે સરકારો પરિવાર માટે નહીં, રાજ્યના સૌથી ગરીબ વ્યક્તિ માટે હોય છે. વિપક્ષી પક્ષો વિશેષ રૂપથી સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ચૂંટણીના નગાડા વાગી ચૂક્યા છે અને જે ઘરે બેસી ગયા હતા, તે લોકો પણ નવા કપડા સિવડાવીને આવી ગયા છે કે અમારી સરકાર બનવા જઈ રહી છે. શાહે અખિલેશને તેમની વિદેશ યાત્રાઓનો હિસાબ જનતાને આપવાની માંગ કરતા તંજ કસ્યો હતો કે, આ લોકોએ શાસન પોતાના માટે, પરિવાર માટે અને ત્યારબાદ જાતિ માટે કર્યું.અને કોઈના માટે વિચાર્યું નથી. તેના સિવાય અમિત શાહે ગાંધી અને વાડ્રા પરિવાર ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું હતું કે, અમુક લોકો એવા હોય છે જે ચૂંટણી દેડકાની જેમ ચૂંટણી વખતે બહાર આવે છે.
સપા, બસપા પર વરસસતા શાહે જણાવ્યું હતું કે, યુપીમાં ઘણા વર્ષો સુધી સપા અને બસપાનો ખેલ ચાલતો રહ્યો અને રાજ્ય બરબાદ થઈ ગયો. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કેરાનાથી પલાયન શરૂ થતું હતું અને લખનઉમાં શાસકોને કોઈ અસર થતી નહોતી. આજે પરિસ્થિતિ અલગ છે કારણ કે માત્ર સ્થળાંતર કરનારાઓએ જ સ્થળાંતર કર્યું છે.
કલ્યાણકારી યોજનાઓને લીધે મુસ્લિમ સમુદાયના પ્રભુત્વવાળી બેઠકમાં પણ ભાજપ જોરમાં
ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ સમુદાયના બહુમત વિસ્તારમાં ભાજપ જોરમાં આવી રહ્યું છે. અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મુસ્લિમ મતનો મોટો ફટકો પડયો હતો. પણ હવેની ચૂંટણીમાં આવું ન થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જેની પાછળનું કારણ મુસ્લિમ સમુદાયને પ્રભાવિત કરનાર કલ્યાણકારી યોજનાઓ છે.
ઉત્તરપ્રદેશમાં લઘુમતીઓ એટલે કે મુસ્લિમ સમુદાયની વસ્તી 19 ટકાથી વધુ છે. ભાજપ દ્વારા મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જ્યાં તેઓને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ ઓછા મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. અંદાજે 5,000 અથવા તેનાથી ઓછા મતના માર્જિનથી હાર કે જીત થઈ હતી તેવી 25 જેટલી બેઠકો છે.
યુપી ભાજપના લઘુમતી પાંખના પ્રમુખ બાસિત અલીએ કહ્યું કે મોટાભાગના મુસ્લિમો સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ-નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ ઇશ્યૂ અથવા બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદાથી ચિંતિત નથી. બીજી તરફ, તેમણે કહ્યું કે, રાજ્યમાં ઉજ્જવલા યોજનામાં મુસ્લિમ લાભાર્થીઓનો હિસ્સો 37% છે, આવાસ યોજનામાં સમુદાયના લાભાર્થીઓનો 39% હિસ્સો છે.