ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે 34 ફૂટની ઉંડાઈ ધરાવતો ભાદર ડેમ બપોરે છલકાયો: 29 દરવાજાઓ પૈકી 2 દરવાજા 1 ફૂટ ખોલાયા: 965 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક: મહાપાલિકાના પદાધિકારીઓએ આનંદની લાગણી વ્યકત કરી
રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી અને આજી ડેમ મેઘરાજાની અમી દ્રષ્ટિના કારણે અગાઉ જ ઓવરફલો થઈ ગયા છે. સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર આજે બપોરે 24મી વખત ઓવરફલો થઈ જતાં લોકોમાં હરખના ઘોડાપુર આવ્યા છે. ડેમના 29 દરવાજાઓ પૈકી 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ 965 ક્યુસેક પાણીની આવક સામે 965 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો ઓવરફલો થઈ જતાં મહાપાલિકાના શાસકોએ આનંદની લાગણી વ્યકત કરતા શહેરીજનોને અભિનંદન પાઠવ્યા છે.
આ અંગે સિંચાઈ વિભાગ અને મહાપાલિકાની સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર આજે બપોરે ઓવરફલો થઈ ગયો છે. આ ડેમનું નિર્માણ 1965માં કરવામાં આવ્યું હતું. સ્થાપના કાળથી અત્યાર સુધીમાં ડેમ 24 વખત ઓવરફલો થઈ ગયો છે. ભાદરમાંથી રાજકોટ, જેતપુર, ગોંડલ શહેર ઉપરાંત જૂથ યોજનામાં આવતા ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે.
રાજકોટને દૈનિક 45 એમએલડી પાણી ભાદર ડેમમાંથી મળે છે. છેલ્લા ત્રણ વર્ષથી ભાદર ડેમ સતત ઓવરફલો થઈ રહ્યો છે. પખવાડીયા પૂર્વે પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની માતબર આવક થવા પામી હતી. ત્યારબાદ ડેમની સપાટીમાં સતત વધારો થતો હતો. ગઈકાલે ડેમ 93 ટકા જેટલો ભરાઈ ગયો હતો. ગોંડલ સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે આજે પાણીની આવક ચાલુ રહેવાના કારણે આજે બપોરે ડેમના 29 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ડેમમાં 965 ક્યુસેક પાણીની આવક છે અને ડેમમાંથી 965 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ભાદર ડેમના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના લીલાખા, મસિતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોડપણથી, રસરાજ, દેરડી, નવાગઢ, રબારીકા, સરદાર, પાંચ પીપળી, કેરાળી, લુણાસર, વાડાસડા, જામકંડોરણાના તરવડા, ઈશ્ર્વરીયા, ધોરાજીના રેગડી, ઉમરકોટ સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે.
રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ભાદર ડેમ ઓવરફલો થતાં મેયર ડો.પ્રદિપ હવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વર્કસ કમીટીના ચેરમેન દેવાંગભાઈ માંકડે આનંદની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા આજી અને ન્યારી અગાઉ જ ઓવરફલો થઈ ગયા છે. હવે ભાદર પણ ઓવર ફલો થઈ જતાં રાજકોટનું પીવાનું પાણીનું સંકટ દૂર થઈ ગયું છે. અત્યાર સુધીમાં ભાદર ડેમ 24મી વખત ઓવરફલો થયો છે. શહેરને આખા વર્ષ પીવાનું પાણી પૂરુ પાડશે.