જામનગર જિલ્લામાં બે નંબરનું સિગ્નલ: માછીમારોને દરિયો ન ખેડવા તાકિદ નિચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર: સાધના કોલોની રોડ પર ૭ વૃક્ષો ધરાશાયી લાખોટા તળાવમાં પાણીની ધોધમાર આવક: પીજીવીસીએલને લાખો રૂપિયાનું નુકશાન: લોકોમાં ભયનું લખલખુ: સવારે બે કલાકમાં લાલપુરમાં વધુ ૩ ઇંચ અને જામજોધપુરમાં સવા ઇંચ
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે સમગ્ર પંથકને હાઈ એલર્ટ પર મુકી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેકટર સહિતના તમામ સરકારી તંત્રને સાવચેત કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે જિલ્લામાં પડેલા અનારાધાર વરસાદના કારણે ઈરવીન હોસ્પિટલમાં વરસાદના પાણી ઘુસી જતા ભારે અફડા-તફડી મચી જવા પામી હતી. આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય. જામનગરના દરિયાકાંઠે ૨ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા પણ તાકીદ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લામાં ધ્રોલમાં ૧૩ મીમી, જામજોધપુરમાં ૮૭ મીમી, જામનગર શહેરમાં ૬૫, જોડીયામાં ૪૫, કાલાવાડમાં ૪૭ અને લાલપુરમાં ૭૩ મીમી વરસાદ વરસી જતા સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી છે. જામનગરમાં ગઈકાલે સાંજે ભારે પવન અને વિજળીના કડાકા-ભડાકા સાથે અડધો કલાકમાં જ ૨ ઈંચ જેટલો વરસાદ વરસી જતા ભારે તબાહી સર્જાઈ હતી. અનેક જગ્યાએ ફિડરો બળી જવાના કારણે વીજ કંપનીને લાખો ‚પિયાની નુકશાની જવા પામી છે. શહેરના સાધના કોલોની રોડ પર ૬ થી ૭ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય. લાખણનો ધારીયો, ભૂઈનો ધારીયો, પટવાવ અને મોટા આશાપુરા મંદિર સહિતના નિચાળવાળા વિસ્તારમાંથી હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે સવારથી સમગ્ર વિસ્તારમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે લાખોટા તળાવમાં ધોધમાર પાણીની આવક થતા પાછળના તળાવના પાટીયા ખોલી નાખવામાં આવ્યા હતા. જિલ્લાના સસોઈ અને રણજીત સાગર ડેમ ઓવરફલો થઈ રહ્યાં છે.
જામનગર જિલ્લામાં સુપડાધારે ખાબકેલા અઢી ઈંચ વરસાદના કારણે શહેરની ખ્યાતનામ ઈરવીન હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસી જતા દર્દીઓમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. જયારે તંત્રમાં પણ ભારે અફડાતફડી મચી જવા પામી છે. આગામી પાંચ દિવસ હજુ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્રને એલર્ટ કરી દેવાયું છે. ગઈકાલ સાંજથી જામનગરના દરિયાકાંઠે ૨ નંબરની સીગ્નલ લગાવી દેવામા આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા પણ તાકીદ કરાઈ છે.
દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદનું જોર વધ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને દ્વારકા તાલુકામાં ૨ ઈંચ, કલ્યાણપુરમાં ૫ ઈંચ અને ખંભાળિયામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. જયારે પોરબંદર જિલ્લામાં કુતિયાણામાં ૩ ઈંચ, પોરબંદરમાં ૨ ઈંચ અને રાણાવાવમાં ૪ ઈંચ વરસાદ વરસી ગયો છે. આજે સવારથી જામનગર જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યાં હોવાના અહેવાલો મળી રહ્યાં છે.