વિસાવદરના લીમધ્રામમાં લગ્નપ્રસંગમાં બિનબુલાએ બારાતી ત્રાટકયા
50થી વધુ મહેમાનો એકઠા થતા પોલીસે વરરાજા, ક્ધયાના પિતા, ગોર મહારાજ, રસોયા અને ફોટોગ્રાફર સહિતની ધરપકડ
હાલમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડ લાઇન મુજબ જૂનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડેલ હોય, જિલ્લામાં લગ્ન સમારંભમાં 50 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવતી હોય છે ત્યારે વિસાવદરના લીમધરા ગામે 500 જેટલા સાજન માજન સાથે યોજાય રહેલ લગ્ન પ્રસંગે પોલીસે ત્રાટકી જાહેરનામાનો ભંગ કરનારા વરરાજા, ગોર મહારાજ, ક્ધયાના પિતા, ફોટોગ્રાફર અને રસોયા સહિતના 8 લોકોને પકડી પાડી લોક અપમાં મૂકી દીધા હતા. અને લગ્નના ઠેકાણે લગ્ન પડ્યા રહ્યા હતા.વરરાજો લગ્ન વગરનો રહ્યો હતો.
જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમને મળેલ માહિતી આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એન.આર.પટેલ તથા પોલીસ ટીમ દ્વારા વિસાવદર તાલુકાના લીમધરા ગામે ચકુંભાઈ બાબુભાઇ મોરબીયાના રહેણાક મકાને રેઇડ કરતા, તેઓની દીકરીના લગ્ન હોઈ, સમારંભ ચાલુ હોય, જાન ભેસાણ તાલુકાના પાટલા ગામેથી આવેલ હોઈ, સમારંભમાં 50 કરતા વધુ લોકોની હાજરી હોઈ, પોલીસ આવતા જ નાશ ભાગ મચી ગયેલ હતી.
દરમિયાન વિસાવદર પોલીસ દ્વારા આ દરોડા દરમિયાન વરરાજા અનિલ સુરેશભાઈ ગુજરાતી, દીકરીના પિતા ચકુંભાઈ બાબુભાઇ, વરરાજાના ભાઈ પરેશભાઈ કેશુભાઈ, લગ્ન કરાવનાર ગોર હરેશભાઇ રમેશભાઈ ભટ્ટ, વિડીઓ ગ્રાફરો આશિષ કાંતિલાલ ચુડાસમા તથા અશોક નરસીભાઈ વસોયા ઉપરાંત રસોયા પ્રવીણભાઈ રામભાઈ ગુજરાતી તથા હરસુખભાઈ મનસુખભાઇ ગુજરાતી સહિત 8 આરોપીઓની ધરપકડ કરી, પોલીસ દ્વારા વીડિયો કેમેરા, સ્ટીલ કેમેરા સહિત આશરે રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. વિસાવદર પોલીસ સ્ટેશનના હે.કો. આર.જે.સીસોદીયા દ્વારા સરકાર તરફ ફરિયાદી બની, જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.