બે હથીયાર છ કાર્ટીસ અને મોબાઈલ મળી રૂ. 66,600નો મુદામાલ કબ્જે
રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગ પર આવેલા તરઘડીયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સૌરાષ્ટ્રમાં ગેરકાયદે હથીયારના હેરાફેરીનો સ્કેન્ડલનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચે મુખ્યસુત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી દેશી બનાવટની બે પિસ્ટલ, જીવતા 6 કાર્ટીસને મોબાઈલ મળી રૂ. 66600નો મુદામાલ કબ્જે કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મોટાપાયે હથીયારો સપ્લાય કરવા માટે શખ્સો સક્રિય હોવાની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ધ્યાને આવતા તમામને સુચના આપી આવા શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા સુચના આપી છે.ક્રાઈમ બ્રાંચના એ.સી.પી.ડી.વી. બસીયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.કે. ગઢવી અને પી.એસ.આઈ. યુ.બી.જોગરાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મૂળી તાલુકાના સીદસર ગામનો અનિરૂધ્ધસિંહ શિવુભા ઝાલા, સાયલા તાલુકાના થોરીયાળી ગામનો મેહુલ અગસંગ મસાણી અને વઢવાણના રાજપરા ગામનો રામજી ગોકળ આલ નામની ત્રિપટી હથિયાર સાથે કુવાડવા રોડ પર આવલે તરઘડી ગામના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે શંકાસ્પદ હાલતમાં હોવાની કોન્સ્ટેબલ સંતોષભાઈ મોટા, જયંતિભાઈ અને કરણભાઈ મારૂને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસે ત્રિપુટીને ઝડપી લઈ તેના કબ્જામાંથી બે દેશી પિસ્ટોલ અને 6 જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે રૂા. 66600નો મુદામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં અનિરૂધ્ધસિંહ ઉર્ફે હકુભા ઝાલા ગેરકાયદે હથીયાર લે વેચનો ધંધો કરતો હોય અને મધ્યપ્રદેશના મનાવર ગામથી બલવંત ઉર્ફે બલુ સરદારનું નામના શખ્સ પાસેથી હથીયાર ખરીદી રાજયમાં હથીયારના વેપલો કર્યાની કબુલાત આપી હતી.
ઝડપાયેલા અનિરૂધ્ધસિંહ ચોટીલા પોલીસ મથકના ચોપડે નકલી નોટોના ગુન્હામાં, મોરબીમાં હથીયારના ગુનામાં અને અપહરણ તેમજ જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.
ઝડપાયેલ શખ્સોએ કયા કયા હથીયાર વેચ્યા તેમજ એમ.પી.ના શખ્સને ઝડપી લેવા અને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.