નવા ભળેલા વિસ્તારોમાં અર્બન હેલ્થ સેન્ટર પણ કાર્યરત કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષમાં માધાપર ચોકડી વિસ્તારમાં અતિઆધુનિક સેન્ટ્રલ મેડિકલ અને વેકસીનેશન સ્ટોર બનાવવામાં આવશે. આ ઉપરાંત શહેરીજનોને સુદ્રઢ આરોગ્ય સેવા મળી રહે તે માટે હુડકો, ભગવતીપરા અને વિજય પ્લોટમાં હાલ કાર્યરત અર્બન હેલ્થ સેન્ટરનું અપગ્રેશન કરવામાં આવશે તથા મહાપાલિકાની હદમાં નવા ભળેલા વિસ્તારોમાં બે નવા હેલ્થ સેન્ટર પણ બનાવવામાં આવશે.
નાગરિકોને લગ્ન નોંધણી રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં પડતી મુશ્કેલી નિવારવા માટે હવે લગ્ન નોંધણી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન કરવામાં આવશે. જન્મ નોંધણી કામગીરીને સુદ્રઢ કરવા માટે ઝોનલ કચેરીઓમાં તેનું વિકેન્દ્રિતકરણ કરવામાં આવશે. શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં આવેલા સ્મશાનગૃહોનું સંચાલન સેવાકિય સંસ્થાઓને સોંપવામાં આવશે અને તેનું આધુનિકરણ પણ કરવામાં આવશે. કોવિડ પછી મહાપાલિકાની આરોગ્ય સેવાઓમાં ઘણા ફેરફાર આવ્યા છે. ભવિષ્યમાં પણ નવા પડકારોને પહોંચી વળવા માટે મહાપાલિકાની તૈયારી છે અને આ માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં માત્ર ગરીબ વર્ગના લોકો જ નહીં પરંતુ અન્ય તમામ વર્ગના નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી માટે જુદા-જુદા પગલાઓ લેવાઈ રહ્યા છે. લોકોને રોગચાળાથી દુર રાખવા માટેના પ્રયાસો કરવામાં આવશે.