મત્સ્ય બંદરના સ્થળને લઇને કોંગ્રેસે માછીમાર સમાજને ગેરમાર્ગે દોરી વિવાદ ઉભો કર્યો: વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોરબંદરમાં મત્સ્ય બંદરના નવા સ્થળની બાબતને લઈને કોંગ્રેસે જે વિવાદ ઉભો કર્યો છે તેને માત્ર ને માત્ર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓના આ સમયમાં માછીમાર બંધુઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો છે. મુખ્યમંત્રીએ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, માછીમાર સમાજના અગ્રણીઓ, પોરબંદરના સાંસદ શ્રી અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓની તેમની સાથેની યોજાયેલી બેઠકમાં થયેલી ચર્ચા વિચારણા તેમજ માછીમાર સમાજની લાગણી-માંગણીને ધ્યાનમાં રાખીને તેમજ તેમને વિશ્વાસ માં લઈ ને જ રાજ્ય સરકાર નવા મત્સ્ય બંદરના સ્થળ અંગેનો નિર્ણય કરશે. તેમણે જણાવ્યું છે કે, હાલ રાજ્ય સરકારે આ નવા મત્સ્ય બંદરની સ્થળ પસંદગી અંગે કોઈ આખરી નિર્ણય કરેલો જ નથી એટલે કોંગ્રેસ આ બંદરના સ્થળના નામે રાજકીય રોટલા શેકવાનું અને માછીમાર સમાજને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય બંધ કરે આવનારી ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે માછીમારોના નામે આવાં રાજકીય તુક્કા ચલાવી તેમના મત અંકે કરવાની પેરવી કરે છે તે માછીમાર સમાજ પણ હવે જાણી ગયો તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પોરબંદરના મત્સ્ય બંદરના સ્થળ પસંદગીને લઈને વિવાદ છેડાયો હતો તેના કારણે માછીમાર સમાજમાં નારાજગી પ્રર્વતી હતી. આ બનાવને પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સામે આવીને સ્પટતા કરી ગેરસમજણ દૂર કરી છે. મુખ્યમંત્રીેએ સ્પષ્ટ પણે જણાવ્યું છે. હકીકતમાં મત્સ્ય બંદરની સ્થળ પસંદગી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો જ નથી.