પ્રથમ તબકકામાં ૩ કરોડમાંથી માત્ર બે દિવસમાં ૨.૨૪ લાખ હેલ્થ વર્કર્સને મળ્યું ‘કોરોના કવચ’
હમ કીસી સે કમ નહિં… રસીકરણ ઝુંબેશ શરૂ થયાના માત્ર બે દિવસમાં જ ભારતમાં ૨.૨૪ લાખ લોકો ‘કોરોના કવચ’થી સજજ થયા છે. પ્રથમ તબકકામાં ૩ કરોડ હેલ્થ વર્કસને રસીકરણ કરવાનું લક્ષ્યાંક છે. જેમાંથી રવિવાર સાંજ સુધીમાં ૬૪ ટકા એટલે કે ૨,૦૨,૪૮૦ લોકોને રસી અપાઈ ચૂકી છે. આ દરમિયાન ૪૪૭ લોકોને આડઅસર થઈ હોવાનાં કેસ નોંધાયા છે જે પણ સામાન્ય તાવ, માથાનો દુ:ખાવો, કળતર, ગભરાહટ જેવી સામાન્ય એલર્જીક આડઅસર હતી. અત્યાર સુધીમાં કોઈ ગંભીર આડઅસરનાં કેસ સામે આવ્યા નથી. આથી, પ્રથમ રાઉન્ડ સફળ રહ્યો હોવાનું ચોકકસ પણે કહી શકાય.
બે દિવસમાં ભારતમાં ચાર રાજયો તમીલનાડુ, પંજાબ, ત્રીપુરા અને પુડુચેરીમાં સૌથી ઓછુ રસીકરણ નોંધાયું છે. જે ૨૨ થી ૩૪ ટકાની આસપાસ છે. જયારે તેલગાંણા, રાજસ્થાન, ઓડિસા, અસમ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર સહિતના રાજયો અને સંઘ પ્રદેશોમાં પ્રથમ તબકકામાં નિર્ધારિત સંખ્યાથી ૫૦ ટકાથી વધુ રસીકરણ થઈ ચૂકયું છે. નિષ્ણાંતોનાં જણાવ્યા અનુસાર, દેશભરમાં આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવાશે. દેશમાં સૌથી વધુ ઝડપી રસીકરણ તેલગાંણામાં થઈ રહ્યું છે. માત્ર બે દિવસમાં અહી નિર્ધારિત લક્ષ્યાંકના ૮૭ ટકા વેકિસનેશન થઈ ગયું છે. ત્યારબાદ ૮૫ટકાની સાથે ઓડિસાઅને ૭૪ ટકાની સાથે રાજસ્થાન અવલ્લ નંબર પર છે. જયારે વસ્તીની દ્રષ્ટીએ નાના રાજયોમાં ૯૨%ની સાથે અરૂણાચલ પ્રદેશ પ્રથમ નંબરે છે.
આ અંગે એડીશનલ હેલ્થ સેક્રેટરી મનોહર અગનાણીએ જણાવ્યું કે, ભારતમાં જે ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે તે વિશ્ર્વમાં સૌથી વધુ ગતિ છે. પોતાના નાગરિકોને ‘કોરોના કવચ’ આપવામાં ભારતે અમેરિકા, યુકે અને ફ્રાંસને પણ પાછળ રાખી દીધા છે. દરેક કેન્દ્ર પર ૧૦૦ કરતા પણ વધુ હેલ્થવર્કરને રસી અપાઈ રહી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, લોકો રસી માટે બુથ પર આવે તે પહેલા તેમનામાં ઘણી મુંઝવણ હોય છે. તેમાં પણ ખાસ આડઅસરને લઈને પણ ખચકાટ હોય છે. પરંતુ બે દિવસમાં કોઈ ગંભીર અસર જોવા મળી નથી. આથી આગામી સમયમાં આ બાબત વધુ મદદરૂપ બનશે. લોકોના મનમાંથી ડર દૂર થશે. અને રસી માટે આગળ આવશે. અને અંતે કોરોના વાયરસને નાથવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.