ગુજરાતમાં ફટાકડા ફોડવા તથા વેંચાણ પર પ્રતિબંધ લાદવાની શકયતા વચ્ચે નીતિન પટેલની મોટી જાહેરાત
એનજીટી અથવા કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી રાજ્ય સરકાર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ નહીં મુકે: નીતિન પટેલ
રાજ્યમાં ફટાકડા ઉપર સરકાર કોઈ રોક નહીં લગાવે: ગુજરાતીઓની દીવાળી સુધરી ગઈ
ગુજરાત રાજ્યમાં ફટાકડાના વેંચાણ તથા ફોડવા પર પ્રતિબંધ મુકવાની શકયતા જણાય રહી હતી. પરંતુ આ શકયતાનું ખંડન થઈ ગયું છે. નાયમ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેર કર્યું છે કે, રાજ્યમાં ફટાકડા પર કોઈપણ પ્રકારની રોક લગાવવામાં આવશે નહીં. જેથી હવે સ્પષ્ટપણે જણાય રહ્યું છે કે, ગુજરાતીઓની દીવાળી સુધરી ગઈ છે.
દીવાળીના તહેવારને આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ લગાવવામાં આવે તેવી શકયતાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં પ્રતિબંધ મુકવાની કોઈ વિચારણા ચાલી રહી નથી.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કેટલાક રાજ્યોને હવામાં પ્રદુષણ મામલે નોટિસ ફટકારી છે તેમજ ગુજરાતનો પણ સમાવેશ થાય છે. એનજીટીની નોટિસના પગલે પં.બંગાળ, ઓડિસ્સા, રાજસ્થાન અને દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ સ્થીતી બાદ ગુજરાતમાં પણ પ્રતિબંધ મુકાય તેવી વાતો વહેતી થઈ હતી. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઈકાલે આ વાતનું ખંડન કરી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકાર ફટાકડા પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરી રહી નથી. વધુમાં તેઓએ એમ પણ કહ્યું કે, એનજીટી અથવા કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મુકવામાં આવશે નહીં. એટલે હવે ફટાકડા ફોડવા પર રાજ્ય સરકારની લીલીઝંડી મળી ગઈ છે. જો એનજીટી કે કેન્દ્ર આ મામલે કોઈ નિર્ણય જાહેર ન કરે તો ગુજરાતીઓની દિવાળી સુધરી જશે.