ભારે વાહનોને પુલ પરથી પસાર થવા પર પ્રતિબંધ
રાજુલા વાયા થોરડી સાવરકુંડલા જવાના માર્ગે ઝાંપોદર પાસેના પુલમાં મોટુ ગાબડુ પડી જતા સળીયા દેખાઈ આવ્યા હતા. બંને તરફ ટ્રાફિકજામ થયો. ગામના સરપંચ મનુભાઈ ધાખડા ગ્રામજનો સાથે પુલ પર દોડી આવ્યા હતા. રાજુલા પી.આઈ આર.એમ.ઝાલા તેમની ટીમ સાથે આવી પહોંચ્યા હતા. ટ્રાફિકજામની સમસ્યા ઉકેલી હતી. જો ભારે વાહન પીપાવાવના ક્ધટેનર કે બસ જેવા વાહનો પસાર થાય તો મોટી દુર્ઘટના સર્જાય અને જાનહાની થાય એ અંગે રાજુલા પી.આઈ દ્વારા આગરીયા જકાતનાકા રાજુલા પાસે તેમજ ઘુડીયા આગરીયા પેટ્રોલપંપ પાસે પોલીસ કર્મચારીને પોઈન્ટ આપેલ છે. જેથી કોઈ ભારે વાહનો ન નીકળી શકે. રાજુલા, અમરેલી જવા આ માર્ગ ટુંકો હોય વાયા વિજપડી થઈ લોકો સાવરકુંડલા જવાનું ટાળે છે. આ માર્ગે સમય પણ બચે જેથી આમાં વાહનોનો ઘસારો વધુ છે. તંત્રનાં જવાબદાર અધિકારીઓએ તપાસ કરી છે.