૫૦ કરોડની કિંમતના ઓઈલની ચોરીમાં કુલ ૭૫ લોકો સામેલ: ૩૦ ટ્રકો જપ્ત
રાજસ્થાન પોલીસે ૫ કરોડ લીટર ઓઈલ ચોરીનું કૌભાંડ પકડયું છે. જેની કિંમત આશરે ‚ા.૫૦ કરોડ જેટલી આંકવામાં આવી છે. રાજસ્થાન પોલીસે કેર્ન ઈન્ડિયાના ઓઈલ ફિલ્ડમાંથી છેલ્લા ૬ વર્ષથી ચોરી કરી રહેલા ૨૫ શખ્સને ઝડપી લીધા છે. આ તમામ શખસો ક્રુડ ઓઈલ ચોરી પાણીના ટેન્કરોમાં ભરીને વેંચી દેવાના નેટવર્કનો હિસ્સો હતા. પોલીસના કહેવા પ્રમાણે કેર્ન ઈન્ડિયા ઓઈલ ફિલ્ડ બ્રિટીસ માઈનીસ કંપની વેદાંતા રીસોર્સીસની પેટા કંપની દ્વારા ચલાવવામાં આવે છે. આ કૌભાંડમાં મુખ્ય ૨૫ આરોપીઓ સાથે કુલ ૭૫ લોકો સામેલ હતા. જેમાં ડ્રાઈવર, કોન્ટ્રાકટર વગેરેનો સમાવેશ થાય છે.
કૌભાંડમાં હજુ કેટલાય નામ ખુલ્લે તેવી પણ આશંકા છે. આ ઉપરાંત ઓઈલ ચોરીનો આંકડો પણ ઉંચે જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ક્રુડ ઓઈલ ચોરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે કહ્યું હતું કે, ઓઈલ ફિલ્ડના ડ્રાઈવરો એકસ્પલોરેશન સાઈટ પરથી ટેન્કરોમાં પાણી ભરી બહાર જઈ શકે છે પરંતુ તેઓ પાણીના બદલે ક્રુડ ઓઈલ જ ભરી દેતા હતા. આ ડ્રાઈવરોએ પોત પોતાની ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ પણ બંધ કરી દીધી હતી. જેથી તેઓ શું કરે છે તેની કોઈ માહિતી મળતી ન હતી. આ કેસમાં પોલીસે ૩૦ ટ્રક જપ્ત કર્યા છે. આ ક્રુડ ઓઈલ ફેકટરીઓને વેંચી દેવામાં આવતું હતું.