અયોધ્યા મુદ્દે વિવાદની અરજીઓની વહેલી તકે સુનાવણી અંગે ટૂંકમાં નિર્ણય લેવા સુપ્રીમની તૈયારી
રામ જન્મ ભૂમિનો ઉકેલ હવે હાથ વેંતમાં જણાય રહ્યો છે. અયોધ્યા મુદ્દે વિવાદની અરજીઓ અંગે વહેલીતકે સુનાવણી હાથ ધરવાની તૈયારી વડી અદાલતે દર્શાવી છે. અલ્હાબાદ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો. તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. આ અરજીઓની સુનાવણી વહેલી કરવી કે કેમ તે અંગે વિચારવા વડી અદાલત તૈયાર થઈ છે.
દેશમાં સમાજ અને રાજકારણને સીધી રીતે અસર કરતો અયોધ્યા વિવાદ હંમેશાથી હાઈલાઈટ રહે છે. એનડીએ સરકારે સત્તા સંભાળ્યા બાદ રામ જન્મ ભૂમિ મુદ્દે હિન્દુઓના હિતોનું રક્ષણ કરવા આયોજનબધ્ધ પગલા લીધા છે. હાલ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ ભાજપના છે. ન્યાય પ્રણાલીમાં પણ ભાજપ સાથે સંબંધો ધરાવનારને બેસાડવા પ્રયાસ થઈ ચૂકયા છે. પરિણામે આ મુદ્દાનો ઝડપથી નિર્ણય આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આગામી ૨૦૧૯ લોકસભાને જીતવા રામ જન્મ ભૂમિ મુદ્દો ઉકેલવો તે ભાજપ માટે રામબાણ ઈલાજ છે. ભાજપે અયોધ્યાના વિવાદને લઈ સત્તા સંભાળ્યાની સાથે જ કામગીરી આરંભી દીધી હતી. હવે તો વડી અદાલત પણ અયોધ્યા વિવાદની અરજીઓ વહેલીતકે સુનવણી કરવા તૈયાર થઈ છે. અરજદારો ઘણા સમયથી માંગણી કરી રહ્યાં છે કે, આ અરજીઓની વહેલીતકે સુનાવણી હાથ ધરવામાં આવે કે જેથી વહેલા ન્યાય મળે જેથી હવે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે.