બીએસએનએલ અને ઈન્ટરનેશનલ સેટેલાઈટ ફોન ઓર્ગેનાઈઝેશન વચ્ચે કરાર
આગામી એક વર્ષની અંદર હવાઈ મુસાફરી કરતા લોકો ફલાઈટમાં ફેસબુક, વોટ્સએપ, ઈસ્ટાગ્રામ સહિતની વેબસાઈટો અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. અત્યાર સુધી ઈન્ટરનેટ અને સેટેલાઈટ ફોનનો ફલાઈટમાં ઉપયોગ કરવાની છુટ માત્ર સુરક્ષાદળોના અધિકારીઓને જ હતી. પરંતુ હવે રાજય સંચાલિત ભારત સંચાર નિગમ અને ઈન્ટરનેશનલ મોબાઈલ સેટેલાઈટ ઓર્ગેનાઈઝેશન સામાન્ય લોકોને પણ આ સુવિધા આપશે.
બીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, એક વર્ષની અંદર ફલાઈટ દરમિયાન સેટેલાઈટ ફોન સર્વિસ કાર્યરત કરી દેવામાં આવશે. આ ઉપરાંત ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ થતા મુસાફરો મુસાફરી દરમિયાન પણ પોતાનો સમય પસાર કરી શકશે. તેમજ ઉપયોગી કામગીરી પણ કરી શકશે. આ માટે વાઈફાઈ રાઉટર દ્વારા ડેટા અપાશે જે એન્ટેના દ્વારા કનેકટ હશે અને નજીકના સેટેલાઈટ સાથે લીંકઅપ થતા ઈન્ટરનેટની સુવિધા મળી રહેશે. આ માટે બીએસએનએલને ગૃહ મંત્રાલય અને ટેલીકોમ્પ્યુનિકેશન વિભાગ દ્વારા મંજૂરી અપાઈ છે. હાલ ઈન્ટરનેશનલ મોબાઈલ સેટેલાઈટ ઓર્ગેનાઈઝેશન અને બીએસએનએલ સાથે મળીને સેટેલાઈટ ફોનનું પરિક્ષણ કરી રહ્યાં છે. આ માટે બન્ને વચ્ચે કરારો પણ થયા છે.