ગેરકાયદેસર કાર્બોસેલ, ૧૪ ચરખી, ૪ ટ્રેકટર, ૨ ડમ્પર સહિત ‚પિયા ૧.૫૦ કરોડના મુદામાલ સાથે ૧૬ શખ્સો ઝડપાયા
કોર્બોસેલના ખોદકામ માટે જાણિતા એવા થાન પંથકના ખાખરાળીમાં આરઆર સેલની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામનો ભાંડો ફોડતા ખાણીયા રાજાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બનાવના સ્થળેથી પોલીસે કાર્બોસેલના ખોદકામ માટેની ચરખી સહિતના સાધનો સાથે કુલ રૂ.૧.૫૦ કરોડના મુદ્દામાલ સાથે ખોદકામ કરતા ૧૬ શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે દિવસે અને રાત્રે ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું બેફામ ખનન થતુ હોવાની બાતમીને આધારે ખાખરાળીમાં આર આર સેલના પીએસઆઇ કૃણાલ પટેલ, રણછોડભાઇ ભરવાડ, લક્ષ્મણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ચૂડાસમા, દિલીપસિંહ સહીતની ટીમ ત્રાટકી હતી. જેમાં ખાખરાળી ગામની સીમમાં સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન થતુ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. દરોડા સમયે ખોદકામમાં વપરાતી ૧૪ ચરખી, ૪ ટ્રેકટર, ૨ ડમ્પર અને ૪૫ ટન જેટલો કાર્બોસેલનો જથ્થો ઝડપી લેવાયો હતો. આરઆર સેલના દરોડામાં ચરખી, ટ્રેકટર અને ડમ્પર સાથે ૪૫ મેટ્રીક ટન કાર્બોસેલનો જથ્થો પણ ઝડપાયો છે. ત્યારે ફરીયાદમાં એક ટનની કિંમત રૂપીયા ૫૦૦ આંકવામાં આવી છે. જયારે સરકારી ભાવ મુજબ કિંમત રૂપીયા ૧૩૦૦ અને હાલ એક મેટ્રીક ટનનો બજાર ભાવ રૂપિયા ૨૫૦૦ ચાલી રહ્યો છે. ત્યારે ફરિયાદમાં એક ટનની કિંમત ૫૦૦ આંકવામાં આવતા તર્ક વિતર્ક ફેલાયા છે. જયારે બાજુની જમીનમાં કાર્બોસેલનું ખોદકામ થતુ હતુ. પોલીસ મુદ્દામાલ સહીતની ગણતરી કરે તે સમયે બાજુની જમીનમાં ચરખી સહિતનો સામાન સગેવગે કરી દેવાતા પોલીસની કામગીરી પર અનેક સવાલો થયાની વાતો વહેતી થઇ છે. ખાખરાળીમાં ખનીજચોરી અંગે ૧૬ શખ્સો ખોડાભાઇ કાંઝીયા, રમેશભાઇ કાંઝીયા, પોપટભાઇ ભરવાડ, કીશાભાઇ ભરવાડ, જેસીંગભાઇ અલગોતર, સગરામભાઇ ખોડાભાઇ, રાહુલભાઇ સીંધાભાઇ, રાણુભાઇ નાથાભાઇ, ધીરૂભાઇ કોળી, જેહુભાઇ અમરશીભાઇ કોળી, જગાભાઇ કુકાભાઇ કોળી, અશોકભાઇ મેઘાભાઇ કોળી, કમાભાઇ કોળી, જનકભાઇ જીવાભાઇ કોળી, સેજાભાઇ મગનભાઇ કોળી, સુરેશભાઇ દેવજીભાઇ કોળી સામે ફરીયાદ નોંધાઇ છે.