સગીરાને ભગાડી ગયાની ફરિયાદનો ખાર રાખી એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી ઉપર છરી વડે તૂટી પડતા વચ્ચે પડેલી પૌત્રી ઘાયલ
પિતાનું અવસાન અને માતાએ પુન:લગ્ન કરતા બે-પુત્રી નિવૃત્ત દાદા-દાદી સાથે રહેતી હતી
શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાનિ ગુણખોરીનો ગ્રાફ શેરબજારના સેન્સેક્સની જેમ ઉચ્ચો જઈ રહ્યો છે અને પોલીસનો ખોફ ઓસરી રહ્યો છે. ત્યારે ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં એસટીના નિવૃત કર્મચારીની પૌત્રીના પ્રેમી સહિત ચાર શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. જે હત્યના ગુનામાં માલવીયા પોલીસ તાકીદે રાત્રીના સમયે સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે નાશી છૂટેલા એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ રોડ આંબેડકરનગર શેરી નં.૫/૧૨ના ખૂણે રહેતી સોનલ જીતેન્દ્રભાઈ મકવાણા (ઉ.૧૭) નામની યુવતીએ માલવીયા નગર પોલીસમાં ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રહેતા સુરેશ ઉર્ફે વિસુ મોહનભાઈ મુછડીયા, સુરેશ ઉર્ફે સુરજ અનિલભાઈ ચૌહાણ, અશ્ર્વિન ઉર્ફે અશોક બાબુભાઈ રાઠોડ અને વિજય ઉર્ફે બાડો જયંતીભાઈ સામે દાદાની હત્યા, મારામારી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પીઆઈ એન.એમ ચુડાસમાની ટીમે હત્યાના સગીર સહિત ત્રણને ઝડપી લઈ એકની શોધખોળ હાથ ધરી છે.
સોનલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે પેતે ધો.૧૨માં અભ્યાસ કરે છે હું તા.૬/૩ના રોજ સાંજના સમયે નાની બહેન સ્નેહા અમારા ઘરે મારા રૂમમાં વાંચતા હતા મારા દાદી બાથરૂમની બાજુમાં ચોકડીમાં કપડા ધોતા હતા. મારા દાદા કરશનભાઈ બીજા રૂમમાં હતા તે વખતે અમારા ઘરે સુરેશ ઉર્ફે વિશુ મોહનભાઈ મુછડીયા (રહે.ભગવતીપરા જય પ્રકાશનગર) તેના હાથમાં તીક્ષ્ણ છરી લઈને આવેલો તેની સાથે સુરેશ ઉર્ફે સુરજ અનિલભાઈ ચૌહાણ, અશ્વીન ઉર્ફે અશોક બાબુભાઈ રાઠોડ, વિજય ઉર્ફે બાડો જયંતીભાઈ (રહે.બધા રાજકોટ) હતા અને દેકારે થવા લાગતા હુ રૂમની બહાર નીકળતા મે જોયેલ તો આ સુરેશ ઉર્ફે સુરજ અનિલભાઈ ચૌહાણે મારા દાદા કરશનભાઈનું ગળુ પકડી લીધેલ અને હુ સુરેશ ઉર્ફે વિશુ મોહનભાઈ મુછડીયાએ મારા દાદા કરશનભાઈને છરી વડે ડાબા પગમાં જોરદા ઘા મારી દીધેલ અને આ અશ્વીન ઉર્ફે અશોક તથા વિજય ઉર્ફે બાડાએ મારા દાદા કરશનભાઈને ઢીકાપાટુનો માર મારતા હતા. હું મારા દાદાને છોડાવવા જતા સુરેશ ઉર્ફે વિશુએ મને જમણા હાથમાં આંગળીઓમાં તથા હથેળીમાં છરી મારી દીધેલ અને મારા દાદા લોહીલુહાણ હાલતમાં નીચે પડી જતા અને દેકારો થતા આજુબાજુમાંથી માણસો આવી જતા આ ચારેય જણા નાશી છૂટ્યા હતા. મે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન કરી દાદા કરશનભાઈને સિવિલ હોસ્પિટલ રાજકેટ ખાતે સારવારમાં ખસેડયા હતા. જ્યાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા.
જે હત્યાના બનાવ અંગે માલવીયા પોલીસે ચારેય આરોપી સામે ૩૦૨, ૪૫૨, ૩૨૪, ૩૨૩ અને ૧૧૪ ની કલમ હેઠળ ગુનો નોંધી રાત્રે જ દબોચી લીધા હતા અને વધુ પૂછપરછ આદરી હતી.
ફરિયાદ કર્યાનો ખાર રાખી આરોપીએ સાગરીતો સાથે મળી હત્યા નિપજાવી
સુરેશ ઉર્ફે વિશુ મોહનભાઈ મુછડીયા અગાઉ બે મહિના પહેલા નાની બહેન સ્નેહા (ઉ.૧૫)ને ભગાડીને લઈ જતા દાદા કરશનભાઈએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સુરેશ ઉર્ફે વિશુ જામીન પર છુટતા જ ફરિયાદનો ખાર રાખી ઘરે આવી દાદાને છરીના જીવલેણ ઘા ઝીંકી પતાવી દીધા હતા. જેમાં વૃદ્ધના સાથળના ભાગે મુખ્ય નસ કપાઈ જતા સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું.
મુખ્ય આધારસ્થંભ વૃદ્ધના મોતથી પરિવારમાં શોક : વૃદ્ધ સાત વર્ષ પહેલા નિવૃત થયા હતા
રાજકોટના આંબેડકરનગરમાં રહેતા કરશનભાઈ મકવાણાની પૌત્રીના પ્રેમી સુરેશ ઉર્ફે વિશુ મુછડીયા અને તેના સાગ્રીતોએ છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી છે. કરશનભાઈને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. જેમાં અનુક્રમે જીતુભાઈ, મહેશભાઈ અને પુત્રી પુરીબેન છે. જેમાં પોતે પાંચ ભાઈ બે બહેનમાં વચેટ હતા. જેના પુત્ર જીતુને સોનલ અને સ્નેહા નામની બે પુત્રી છે.જીતુનું ૧૪ વર્ષ પહેલા જ અવસાન થયું છે. કરશનભાઈ એસટીમાં ફરજ બજાવતા હતા અને સાત વર્ષથી નિવૃત જીવન ગાળતા હતા. ઘરના આધારસ્તંભ ગણાતા કરશનભાઈના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.
૩ સગીર સહિત ત્રણ આરોપી રિમાન્ડ મેળવવા તજવીજ
માલવીયા નગર પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.એન.ચુડાસમના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ જે.એસ. ચપાવતની ટીમે આરોપી સુરેશ ઉર્ફ વીશું મોહનભાઇ લાખા ભાઈ મૂછડીયા (ઉ.વ ૧૯ )( રહે ભગવતીપરા) , સૂરજ ઉર્ફ સૂરિયો અનિલભાઈ અરજનદાસ ચૌહાણ (ઉ.વ ૧૯ ) , એક સગીરને ઝડપી લીધા હતા. જ્યારે નાશી છૂટેલા વિજય ઉર્ફ બાડા ની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.