સૌરાષ્ટ્રના બોલરો ગુજરાતના બેટ્સમેન પર હાવી થઇ જશે : કાલથી ખંઢેરીમાં પ્રથમ સેમીફાઇનલ જંગ
ગુજરાત સામેની મેચ જીતી સૌરાષ્ટ્ર વટભેર ફાઈનલમાં પ્રવેશ કરવા ઉત્સાહી છે તો બીજી તરફ ગુજરાતની ટીમ સૌરાષ્ટ્રને ભરી પીવા સજજ
રણજી ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમવાર સેમીફાઈનલમાં ગુજરાતની ટીમને પરાસ્ત કરી ફાઈનલમાં પહોંચી ટાઈટલ જીતવાના બુલંદ ઈરાદા સાથે ઘરઆંગણે કાલે સૌરાષ્ટ્રની ટીમ મેદાનમાં ઉતરશે. એસસીએનાં ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આવતીકાલથી યજમાન સૌરાષ્ટ્ર અને મહેમાન ગુજરાત વચ્ચે પાંચ દિવસીય રણજી ટ્રોફી સેમીફાઈનલ જંગનો પ્રારંભ થશે. સૌરાષ્ટ્રનાં બોલરો કાગળ પર મજબુત લાગતી ગુજરાતની ટીમના બેટસમેનો પર હાવી થઈ જાય તેવું લાગી રહ્યું છે. કાલે સવારે ૯:૩૦ કલાકે મેચનો આરંભ થશે. બીજો સેમીફાઈનલ મેચ કોલકતા ખાતે બેંગાલ અને કર્ણાટક વચ્ચે રમાશે.
ચાલુ રણજી સિઝનમાં ૩૫ પોઈન્ટ સાથે ગુજરાતની ટીમ પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને રહી હતી તો ૩૧ પોઈન્ટ સાથે સૌરાષ્ટ્રની ટીમ ચોથા ક્રમે રહી હતી. ગુજરાત લીગ રાઉન્ડમાં એક પણ મેચ હાર નથી જયારે સૌરાષ્ટ્રનું પ્રદર્શન કાબીલે દાદ રહ્યું છે. સૌરાષ્ટ્ર માત્ર એક મેચ હાર્યું છે જયારે ત્રણ મેચમાં વિજય થયો છે અને ચાર મેચ ડ્રોમાં પરીણામી છે. ગુજરાતની ટીમમાં પાર્થિવ પટેલ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડી રમી રહ્યા છે તો સામાપક્ષે જયદેવ ઉનડકટ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડી રમી રહયો હોય ક્રિકેટ રસિકોને એક રોમાંચથી ભરપુર મેચ માણવા મળે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રની ટીમનો આધારસ્તંભ ચેતેશ્ર્વર પુજારા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી રમી રહ્યો હોવાનાં કારણે સૌરાષ્ટ્રની ટીમમાં સામેલ ન હોય જેનો ફાયદો ઉઠાવવા ગુજરાત પ્રયત્ન કરશે પરંતુ સૌરાષ્ટ્રનાં શેલ્ડન જેકશન, ચિરાગ જાની, અર્પિત વસાવડા સહિતનાં બેટસમેનો હાલ ફોમમાં હોય પુજારાની ખોટ સાલવા દેશે નહીં જોકે ગુજરાતનાં સુકાની પાર્થિવ પટેલે કવાર્ટર ફાઈનલમાં સદી ફટકારી હતી જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો તો સૌરાષ્ટ્રનો કવાર્ટર ફાઈનલ મેચ ડ્રોમાં પરીણમ્યો હતો પરંતુ પ્રથમ દાવની લીગના આધારે સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
અત્યાર સુધી સૌરાષ્ટ્રની ટીમ કુલ ૬ વખત સેમીફાઈનલમાં પ્રવેશી ચુકી છે અને ૩ વખત ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે પરંતુ એક પણ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. ગુજરાત સામેની મેચ જીતી સૌરાષ્ટ્ર વટભેર ફાઈનલમાં પ્રવેશ કરતા ઉત્સાહી છે તો બીજી તરફ ગુજરાતની ટીમ સૌરાષ્ટ્રને ભરી પીવા સજજ છે. કાલથી રણજી ટ્રોફીના મેચનો પ્રારંભ થશે. બંગાળ અને કર્ણાટક વચ્ચે બીજો સેમીફાઈનલ મેચ રમાશે ગત વર્ષે જયદેવ ઉનડકટની નેતૃત્વમાં સૌરાષ્ટ્રની ટીમનો રણજી ટ્રોફી ફાઈનલમાં પ્રવેશ થયો હતો જોકે ફાઈનલમાં વિદર્ભ સામે સૌરાષ્ટ્રનો પરાજય થતા ચેમ્પીયનશીપથી વંચિત રહ્યું હતું. આ ઈતિહાસ ફરી ન દોહરાય તે માટે સૌરાષ્ટ્રનાં બોલરો મકકમ છે. બેટસમેનો કરતા સૌરાષ્ટ્રનો મદાર બોલરો પર રહેશે કારણકે સુકાની ચેતેશ્ર્વર પુજારાએ ચાલુ સીઝનમાં ૫૯ વિકેટ ઝડપી છે જે ટોપ વિકેટ ટેકર છે. બંને ટીમોએ આજે આકરી નેટ પ્રેકટીસ કરી હતી.