રાજસ્થાન રોયલ્સ સિવાય તમામ ટીમોના મેચ શિડયુલ રજુ
આગામી ૨૯મી માર્ચ ૨૦૨૦થી આઈપીએલની ૧૩મી સીઝન શરૂ થઈ રહી છે ત્યારે આઈપીએલનો પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે ગત સીરીઝની ચેમ્પીયન ટીમ એટલે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. જયારે ૧૩મી સિઝનનો છેલ્લો લીગ મેચ ૧૭ મેના રોજ રમાશે તેવું હાલ સામે આવી રહ્યું છે. તમામ આઈપીએલની ટીમોએ તેના મેચ શેડયુલની જાહેરાત કરી દીધેલી છે જેમાં માત્ર રાજસ્થાન રોયલ્સે જ તેમનું મેચ શેડયુલ હજુ સુધી રજુ કર્યું નથી. જયારે બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ ૧લી એપ્રિલનાં રોજ તેનો પ્રથમ લીગ મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનના શિડયુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શનિવારે માત્ર એક જ મેચ રમાશે. જેના કારણે ૨૦૨૦ની સીઝન એક અઠવાડિયું વધારે ચાલશે. ફ્રેન્ચાઈઝી અને બ્રોડકાસ્ટરને આપેલા શિડ્યૂલની એક કોપી અમારા સહયોગી ક્રિકબઝ પાસે પણ છે. માત્ર છ દિવસ જ બે મેચ છે. આ તમામ મેચ રવિવારના રોજ હશે. ટુર્નામેન્ટની પહેલી મેચ પૂર્વ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ૨૯ માર્ચના રોજ રમાશે. લીગ સ્ટેજના મેચ ૧૭ મેના રોજ સમાપ્ત થશે. આ લીગ ૫૦ દિવસ સુધી ચાલશે જે ગત વર્ષે ૪૪ દિવસ સુધી ચાલી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સીઝનની છેલ્લી મેચ થશે. નોકઆઉટનું શિડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. રાજસ્થાન રોયલ્સે ગુવાહાટીને પોતાનું સંભવિત બીજું હોમગ્રાઉન્ડ તરીકે પસંદ કર્યું છે, જ્યારે અન્ય સાત ફ્રેન્ચાઈઝીએ પોતાના પારંપરિક ઘરેલું મેદાનની પસંદગી કરી છે. આઈપીએલ ૨૦૨૦ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૩ વનડે ઈન્ટરનેશનલ મેચ પૂર્ણ થયાના ૧૧ દિવસ પછી શરૂ થશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીરીઝની છેલ્લી વનડે ૧૮ માર્ચના રોજ રમાશે.