મિલકત વેરો, પાણી વેરો, વાહન વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ સહિતના ટેકસના દર યથાવત રખાયા: સેપીંગ અ સ્માર્ટ રાજકોટની થીમ આધારીત બજેટ રજૂ કરતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ
ટ્રાફિક વ્યવસથા હળવી કરવા બજેટમાં પ્રાધાન્ય: ઈ-રીક્ષા દોડાવાશે, નલ સે જલ યોજના અમલમાં મુકાશે
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૨૧૨૦ કરોડનું નવા કરબોજ વિહોણું ફૂલગુલાબી બજેટ આજે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટને સેપીંગ અ સ્માર્ટ રાજકોટની થીમ આધારીત તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મિલકત વેરો, પાણી વેરો, વાહન વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ યથાવત રાખવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસથા હળવી બને તે માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્યારે ઈ-રીક્ષા દોડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નલ સે જલ યોજનાની અમલવારી કરવામાં આવશે.
આજે સવારે ૯:૩૦ કલાકે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ વર્ષ ૨૦૧૯-૨૦નું રિવાઈઝડ બજેટ અને વર્ષ ૨૦૨૦-૨૧નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય અભ્યાસના અહેવાલના તારણ અનુસાર ૨૦૩૫ દરમિયાન રાજકોટનો વિકાસદર ૮.૩૩ ટકા રહેવાનું અનુમાન છે. શહેરના સર્વાંગી વિકાસમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ભૂમિકા પાયારૂપ રહી છે. આધુનિક ઢબે વિકસી રહેલા રાજકોટની એક સ્માર્ટ મોર્ડન સીટીની કલ્પનાને મુર્તિમંત્ર કરવાની આકાંક્ષા સાથે સેપીંગ અ સ્માર્ટ રાજકોટની થીમ આધારીત પ્લાનીંગ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂા.૨૧૧૯.૯૮ કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની ફલેકસીપ યોજનાના અમલીકરણ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
ટ્રાફિક વ્યવસથા સુધારવા માટે બજેટમાં મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજકોટ રેલવે ફાટક મુકત બને તેવું આયોજન કરાયું છે. હાલ શહેરમાં ચાર બ્રિજનું કામ ચાલુ છે. નવા નવ બ્રિજ બનાવવાનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી નાણાકીય વર્ષમાં ડસ્ટ ફ્રી રોડ બનાવવાનું પણ આયોજન છે. રાજકોટ મહાપાલિકા દ્વારા લાસ્ટ માઈલ કનેકટીવીટીના આયોજનના ભાગરૂપે ૫૦ ઈ-બસની સાથે ઈ-રીક્ષાનો પણ ઉપયોગ આગળ વધારવામાં આવશે. ૫૦ મીડી ફૂલ એસી ઈલેકટ્રીક એસી બસ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેકટ માટે કુલ ૫૯ કરોડનો ખર્ચ થશે. બે ઈ-બસ ડેપો માટે બજેટમાં ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાયકલની ખરીદી કરનારને સબસીડી આપવામાં આવશે. કેન્દ્ર સરકારની નલ સે જલ યોજાનાનો રાજકોટમાં ૧૦૦ ટકા અમલ કરવામાં આવશે અને એક પણ ઘર નળ જોડાણ વિનાનું ન રહે તે માટે ધ્યાન રખાશે. ૨૪ કલાક પાણીની વિતરણ વ્યવસથા શરૂ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૦-૨૧માં ગ્રીન બિલ્ડીંગ કન્સેપટ આધારીત ૩૧૦૬ આવાસ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાર ઘટકોમાં આશરે ૬૩૦૦ આવાસ બનાવવાનું પ્લાનીંગ છે. સ્માર્ટ સિટીના અલગ અલગ પ્રોજેકટ ઝડપથી આગળ વધે તે માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટની આસપાસ આવેલા ચાર ગામોને મહાપાલિકાની હદમાં ભેળવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેને રાજ્ય સરકારની મંજૂરી મળવાની બાકી છે છતાં બજેટમાં આ ચાર ગામોના વિકાસ માટે ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને ૨૬૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે ઘટાડી ૨૪૮ કરોડ કરવામાં આવ્યો છે. જ્યારે ૨૦૧૯-૨૦નું રિવાઈઝડ બજેટ ૧૫૪૬ કરોડ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રેવન્યુ બજેટ રૂા.૬૯૬.૧૨ કરોડ, કેપીટલ બજેટ રૂા.૧૩૫૭.૪૭ કરોડ અને અનામત બજેટ રૂા.૬૬૩.૭૯ કરોડ રાખવામાં આવ્યું છે. રાજકોટવાસીઓ પર એક પણ પ્રકારનો નવો કરબોજ લાદવામાં આવ્યો નથી. મકાન વેરો, વાહન વેરો, વોટર ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ સહિતના મોટાભાગના ટેકસ યથાવત રાખવામાં આવ્યા છે. અર્લીબડ ડિસ્કાઉન્ટમાં ડિજીટલ પેમેન્ટ કરનારને વધુ લાભ આપવામાં આવતો હતો જેમાં વધારો કરાયો છે. મે ૨૦૨૦ સુધીમાં મહાપાલિકાની મોબાઈલ એપ કે વેબસાઈટ પર પેમેન્ટ કરવામાં આવે તો ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને અન્ય વ્યવસથા મારફત ચૂકવણી કરવામાં આવે તો ૮ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં ૧૫૦ કરોડના મ્યુનિસીપલ બોન્ડ તૈયાર કરવામાં આવશે.