સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૮થી બોર્ડની પૂરક પરિક્ષાઓનો પ્રારંભ થયો છે. ત્યારે સોમવારે શહેર બંધના એલાન વચ્ચે પૂરક પરીક્ષાઓ યોજાઇ હતી. જેમાં રસાયણ વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયોના ધો. ૧૨ના પેપરોમાં કુલ ૧૯૦ વિદ્યાર્થીઓ ગેરહાજર જણાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ માસમાં યોજાયેલી બોર્ડની પરિક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા તા. ૮ થી ૧૧ જુલાઇ દરમિયાન પૂરક પરિક્ષાનું આયોજન કરાયુ હતુ. શહેરની આર.પી.પી. ગર્લ્સ હાઇસ્કૂલ, વિકાસ ગર્લ્સ સ્કૂલ, પીજીએનએમએસ ગર્લ્સ સ્કૂલ, એનડીઆર હાઇસ્કૂલ, કે.પી.ગર્લ્સ હાઇસ્કૂલ, જે.એન.વી. હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓ પેપરો આપી રહ્યા છે. જેમાં સોમવારે ધો. ૧૨માં અંગ્રેજી, રસાયણ વિજ્ઞાન અને ગણિતવિષયોના પેપરો હતા. આ તમામ પેપરોમાં કુલ ૧૯૦ વિદ્યાર્થીઓ ગેરહાજર જણાયા હતા. શહેરમાં બંધના એલાન વચ્ચે શાંતિપૂર્વક રીતે બોર્ડની પૂરક પરિક્ષાઓ યોજાઇ હતી. જયારે પૂરક પરિક્ષામાં એકપણ કોપીકેસ નોંધાયો હતો. આજે પરિક્ષાના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ ધો. ૧૨માં સંસ્કૃત અને ભૌતિક વિજ્ઞાન તથા ધો. ૧૦માં અંગ્રેજી વિષયના પેપરો આપનાર છે.