મકરસંક્રાંતિ ના પર્વમાં નાના બાળકો થી માંડીને વડીલો સુધીના તમામ લોકો પતંગ ની મોજ માણતા હોય છે પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ના કારણે ઉત્સવ ના ઉત્સાહ માં ઘટાડો ન આવે તે માટે પોલીસ વિભાગ ખડેપગે તેમની ફરજ બજાવતા હોય છે. તેમાં પણ રાજકોટ તો રંગીલું અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું શહેર એટલે રાજકોટ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
પોલીસ વિભાગ પણ પતંગ ના તહેવાર ને માણી શકે તેવા હેતુસર રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાસી ઉતરાયણ ના દિવસે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, રાજકોટ ડીસીપી ઝોન ૧ રવિ મોહન સૈની અને ઝોન ૨ મનોહરસિંહ જાડેજા તેમજ તમામ મદદનીશ પોલીસ કમિશ્નર, પોલીસ મથકો ના ઇન્સ્પેકટર સહિત મોટી સંખ્યામાં હાજર રહયા હતા. પોલીસ પરિવાર ના પતંગોત્સવ માં પોલીસ કમિશ્નર સહિત તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ એ પતંગ ની મોજ માણી હતી.
પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો: સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ
આ તકે તેમણે જણાવ્યું હતું કે મકરસંક્રાંતિ એ તમામ વયના લોકો માટે હર્ષોલ્લાસ નો તહેવાર છે પરંતુ કર્તવ્ય ના ભાગરૂપે રાજકોટ ના પોલીસકર્મીઓ પતંગપર્વ ની ઉજવણી કરી શક્યા નથી ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા વાસી ઉતરાયણ ના દિવસે પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ માટે પતંગોત્સવ ની ઉજવણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં તમામ વર્ગ ના અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઉત્સાહભેર ભાગ લઈને પતંગોત્સવ ની મજા માણી છે.
સુરક્ષા વ્યવસ્થામાં પોલીસની કામગીરી આકાશે આંબશે: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
આ તકે તેમણે મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે રાજકોટ શહેર એ રંગીલું શહેર છે. અહીં ની જનતા તમામ તહેવાર ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરે છે ત્યારે તહેવાર ની મજા માં કોઈ ખલેલ ન પડે તે માટે રાજકોટ પોલીસ ખડેપગે તેમના કર્તવ્ય નું નિર્વહન કરે છે. તેમાં પણ રાજકોટ શહેર મુખ્યમંત્રી નું હોમટાઉન અને તેઓ દરેક ઉતરાયણ ની ઉજવણી તેમના મિત્રો સાથે રાજકોટ ખાતે કરે છે ત્યારે પોલીસ ની જવાબદારી માં વધારો થાય છે ત્યારે પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઉત્તરાયણ ની મોજ માણી શકતા નથી જેના કારણે વાસી ઉતરાયણના દિવસે રાજકોટ પોલીસ માટે પતંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમ પોલીસકર્મીઓની પતંગ ઉંચા અવકાશમાં ઉડી છે તેવી જ રીતે સુરક્ષા વ્યવસ્થા માં તેઓ ઉંચા અવકાશ માં પહોંચી શાંતિ સુલેહ જાળવવામાં ઉદાહરણરૂપ બનશે.