૧૭મીએ ખંઢેરીમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે રમાવવાની હોય કાલથી શરૂ થતો રણજી મેચ માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં રમાશે
યજમાન સૌરાષ્ટ્ર અને મહેમાન કર્ણાટક વચ્ચે આવતીકાલથી ચાર દિવસીય રણજી ટ્રોફી મેચનો આરંભ થશે આજે બંને ટીમનાં સ્ટાર ખેલાડીઓએ આકરી નેટપ્રેકટીસ કરી હતી. ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી ૧૭મીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્ટરનેશનલ વન-ડે રમાવવાનો હોય કાલથી શરૂ થતી રણજી ટ્રોફીનો મેચ રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
રણજી ટ્રોફીના ૩ મેચમાંથી સૌરાષ્ટ્રે ૨ મેચમાં જીત હાંસલ કરી છે જયારે ઘરઆંગણે રમાયેલી ઉતરપ્રદેશ સામેની એકમાત્ર મેચમાં સૌરાષ્ટ્રનો કારમો પરાજય થયો હતો. હાલ પોઈન્ટ ટેબલ પર સૌરાષ્ટ્રની સ્થિતિ સારી છે છતાં ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે કર્ણાટકને પરાજય આપવો આવશ્યક છે.
આજે માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બંને ટીમના ખેલાડીઓએ આકરી નેટ પ્રેકટીસ કરી હતી. સૌરાષ્ટ્ર તરફથી ચેતેશ્ર્વર પુજારા, જયદેવ ઉનડકટ જેવા સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે તો સામેની કર્ણાટકની ટીમમાં પણ દેવદત પટીકર, શ્રેયાંશ ગોપાલ અને રોહિત મોરે જેવા ખેલાડીઓ મેદાનમાં ઉતારવાના હોય રાજકોટનાં ક્રિકેટ રસિકોને એક રોમાંચક મેચની મોજ માણવા મળશે.
સૌરાષ્ટ્રે લીગ મેચમાં રેલવેઝ અને હિમાચલ પ્રદેશને પરાજય આપ્યો છે જયારે ઉતરપ્રદેશ સામેની મેચમાં સૌરાષ્ટ્રનો પરાજય થયો હતો.
સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કરશન ઘાવરીની નિયુક્તી
કરશન ઘાવરીએ ૩૯ ટેસ્ટ અને ૧૯ વનડેમાં અનુક્રમે ૧૦૬ અને ૧૭ વિકેટ ઝડપી હતી
આવતીકાલથી સૌરાષ્ટ્ર તેમજ કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીનો મેચ રેસકોર્સ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે યોજાશે ત્યારે સૌરાષ્ટ્રના ટીમના હેડ કોચ તરીકે આજે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર કરશન ઘાવરીની નિયુકતી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘના સચિવ હિમાંશુ શાહે જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રની ટીમના હેડ કોચ તરીકે કરશન ઘાવરીની નિયુકિત કરાઈ છે. પૂર્વ ફાસ્ટ બોલર ૬૮ વર્ષિય કરશન ઘાવરીએ ભારત તરફથી ૩૯ ટેસ્ટ અને ૧૯ વન ડેમાં ૧૦૬ અને ૧૭ વિકેટ ઝડપી હતી ૧૯૭૦માં ટેસ્ટ ટીમમાં પદાર્પણ કનાર કરશન ઘાવરી લેફટ આર્મ ફાસ્ટ બોલર હતા સિતાંશુ કોટકની બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં આસીસ્ટંટ કોચ તરીકે નિયુકિત થતા કરશન ઘાવરી પર પસંદગી કરવામાં આવી છે. કરશન ઘાવરીએ ફસ્ટ કલાસ મેચની શરૂઆત રાજકોટના માધવ રાવ સીંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમીને કરી હતી જેમાં તેમણે પહેલા જ મેચમાં વિકેટ ઝડપી હતી. કરશન ઘાવરી કપીલ દેવ તેમજ અમરસિંહની સાથે ક્રિકેટ રમેલા છે. કરશન ઘાવરીના ફ્સ્ટ કલાસ ક્રિકેટની વાત કરીએ તો તેમણે ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ૧૫૯ મેચમાં ૪૫૨ વિકેટ ઝડપી હતી અને સાથોસાથ ૪૫૦૦ રન બનાવ્યા હતા તે ભારતના છ ઝડપી બોલરોમાંના એક છે. જેમણે ૧૦૦ વિકેટથી વધારે વિકેટ ઝડપી હોય કપીલ દેવ, શ્રીનાથ, ઝહિરખાન, ઈરફાન પઠાણની સાથે કરશન ઘાવરીનો પણ સમાવેશ થાય છે. કે જેમણે ૧૦૦થી વધારે વિકેટ ઝડપી હોય.