ધ્રાંગધ્રાંમાં છેલ્લા એક દસકાથી ભરવાડ અને ગરાસીયા જૂથ વચ્ચે ચાલતા વૈમનશ્યના કારણે અવાર નવાર સશસ્ત્ર અથડામણની ઘટનાથી તંગદીલી સર્જાતી રહે છે. ગઇકાલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગરાસીયા પ્રૌઢની ભરવાડ જૂથ દ્વારા કરાયેલી હત્યાના પગલે સ્ફોટક સ્થિતી સર્જાય છે. રોષે ભરાયેલા ટોળાએ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાંમાં રાતે તોડફોડ કરી આગ ચાપતા નાસભાગ મચી ગઇ હતી. વિફરેલુ ટોળુ વધુ નુકસાન ન કરે તે માટે જિલ્લા પોલીસ વડાએ પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ધ્રાંગધ્રાં ભાજપના આગેવાન ગરાસીયા પ્રૌઢની ગઇકાલે સાંજે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી સરા જાહેર હત્યા કરી ફરાર થઇ જતા તંગદીલી જેવી સ્થિતી સર્જાતા જિલ્લા પોલીસ વડા દિપક મેઘાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘ્રાંગધ્રાં દોડી ગયા હતા અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાંના નામચીન પોપટ ભરવાડની થયેલી હત્યાનો બદલો લેવા ખૂન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે મૃતક ઇન્દ્રસિંહ ઝાલાના ભાઇ અજિતસિંહ બચુભા ઝાલાની ફરિયાદ પરથી પરેશ ઉર્ફે મુન્નો ભગવાનજી બારોટ, ભીમા ઉકા મેવાડા, રાજુ છેલા ભરવાડ, ભગા નાનુ ગલોતર, કમલેશ રામા મેવાડા, પરેશ રણછોડ મેવાડા, જેસીંગ મેપા ભરવાડ, ગોવિંદ ભાયા મેવાડા, મુન્ના ઉર્ફે સાવજ નાનુ ગલોતર, જગી અરજણ ડાંગર, રાજુ ભાયા મેવાડા, ભરત ઉર્ફે થડો દેવા ભરવાડ અને ભાવેશ રણછોડ મેવાડા સામે હત્યાનો ગુનો નોંધાયો છે.
મુળ કોઢ ગામના વતની અને ધ્રાંગધ્રાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ ભાજપ અગ્રણી ઇન્દ્રસિંહ બચુભા ઝાલા ધ્રાંગધ્રાંથી ૧૨ કી.મી. દુર હરિપર રેલવે ફાટક પાસે જી.જે.૧૩સીસી. ૯૩૫૧ નંબરની ઇનોવા કારમાં પસાર થતા હતા ત્યારે ત્રણ થી ચાર જેટલા અજાણ્યા શખ્સોએ કાર અટકાવી તોડફોડ કરી તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી પરિવારની નજર સામે જ ક્રુરતાથી હત્યા કરી ભાગી ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ધ્રાંગધ્રાંના નામચીન પોપટ ભરવાડની ચારેક વર્ષ પહેલાં થયેલી હત્યાના ગુનામાં ઇન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થતા તેઓ લાંબા સમયથી જેલમાં હતા અને તાજેતરમાં જ પેરોલ પર છુટી પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયા હતા. ગઇકાલે સાંજે પરત આવી રહ્યા હતા ત્યારે હરિપર રેલવે ફાટક પાસે ત્રણ થી ચાર જેટલા શખ્સોએ કાર અટકાવી તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા થયાની પોલીસમાં જાણ થતા સીંગરખીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયો હતો. ઇન્દ્રસિંહ ઝાલાની હત્યાના પગલે ધ્રાંગધ્રાંમાં તંગદીલી સાથે ઘેરાપ્રત્યાઘાત પડે તેમ હોવાથી જિલ્લા પોલીસ વડા દિપક મેઘાણી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્રાંગધ્રાં દોડી ગયા હતા પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ઇન્દ્રસિંહ ઝાલાની લાશને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવતા મોટી સંખ્યામાં તેમના સગા-સંબંધીઓ એકઠાં થઇ ગયા હતા.
ઇન્દ્રસિંહ ઝાલાની હત્યાના પગલે રોષે ભરાયેલા ટોળાએ બસ સ્ટેશન રોડ પર આઠ થી દસ જેટલી કેબીનને આગ ચાપી દીધી હતી. અતિથી હોટલના કાચ ફોડી અને એટીએમના કાચ ફોડી નાખ્યા હતા. સુરેન્દ્રનગર બસ સ્ટેશનનું રિનોવેશ ચાલી રહ્યું છે ત્યાં વિફરેલું ટોળુ ઘસી ગયુ હતુ અને બસ સ્ટેશનના કાઉન્ટરમાં તોડફોડ કરી હતી. ટોળુ વધુ બેકાબુ બને તેમ હોવાથી રાતભર પોલીસને દોડધામ રહી હતી અને એસઆરપીને મેદાનમાં ઉતારી ટોળાને વિખેરી નાખ્યું હતું.
ઇન્દ્રસિંહ ઝાલાની હત્યામાં સંડોવાયેલા શખ્સોની જયાં સુધી ધરપકડ ન થયા ત્યાં સુધી લાસ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા દિપક મેઘાણી હોસ્પિટલે જઇ હત્યામાં સંડોવાયેલા તમામની ધરપકડની ખાતરી આપ્યા બાદ સવારે દસેક વાગે મૃતદેહ સ્વીકારવા આવ્યો હતો અને બપોરે ઘ્રાંગધ્રાં ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને સગા-સંબંધીઓ જોડાયા હતા.