હિમાચલ પ્રદેશે આપેલો લક્ષ્યાંક સૌરાષ્ટ્રે પાંચ વિકેટ ગુમાવી હાંસલ કરી લઈ રણજી ટ્રોફીની પ્રથમ મેચમાં ૬ પોઈન્ટ મેળવ્યા
રણજી ટ્રોફી ૨૦૧૯-૨૦૨૦નાં પ્રથમ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે સુકાની જયદેવ ઉનડકટની આગ ઝરતી બોલીંગનાં સથવારે હિમાચલપ્રદેશને પાંચ વિકેટે પરાજય આપી શાનદાર વિજય હાંસલ કરી ૬ પોઈન્ટ મેળવી લીધા છે.
બંને દાવ મળીને ૯ વિકેટો હાંસલ કરનાર જયદેવ ઉનડકટને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ધર્મશાળાનાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસીએશનનાં સ્ટેડિયમ ખાતે ગત સોમવારથી શ થયેલી રણજી ટ્રોફીની મેચમાં પ્રથમ દાવમાં માત્ર ૧૨૦ રન બનાવી ઓલ આઉટ થઈ ગયું હતું. સુકાની જયદેવ ઉનડકટ ઉપરાંત જાની અને પ્રેરક માંકડે ૩-૩ વિકેટો ખેડવી હતી.
સૌરાષ્ટ્રની ટીમ ઓપનર સ્નેહ પટેલનાં ૪૨ અને જાડેજાનાં ૪૭ રનની મદદથી પ્રથમ દાવમાં ૧૪૧ રન બનાવ્યા હતા અને ૨૧ રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી હતી. હિમાલચપ્રદેશનો બીજો દાવ ૧૮૨ રનમાં સમેટાય ગયો હતો. સૌરાષ્ટ્રને પ્રથમ મેચ જીતવા માટે ૧૬૨ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. મેચનાં બીજા દિવસે સૌરાષ્ટ્રની ટીમે ૯૬ રનમાં ૩ વિકેટો ગુમાવી દીધી હતી. સૌરાષ્ટ્ર પાસે ૭ વિકેટો હાથમાં હોય અને જીતવા માટે માત્ર ૬૬ રનની આવશ્યકતા હોય વિજય નિશ્ર્ચિત માનવામાં આવતો હતો.
મેચનાં અંતિમ દિવસે આજે સૌરાષ્ટ્રે પાંચ વિકેટનાં ભોગે ૪૫.૫ ઓવરમાં ૧૬૫ રન બનાવી પાંચ વિકેટે વિજય હાંસલ કરી લીધો હતો. ઓપનર હાર્વિક દેસાઈએ ૪૬ અને પ્રેરક માંકડે ૪૭ રન ફટકાર્યા હતા. પ્રથમ દાવ બાદ ચેતેશ્ર્વર પુજારા બીજા દાવમાં પણ નિષ્ફળ રહ્યો હતો. જીત સાથે સૌરાષ્ટ્રની ટીમને ૬ પોઈન્ટ મળ્યા હતા. પ્રથમ દાવમાં ૩ અને બીજા દાવમાં હિમાચલપ્રદેશની ૬ વિકેટો ખેડવનાર સૌરાષ્ટ્રનાં સુકાની જયદેવ ઉનડકટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રથમ મેચમાં શાનદાર જીત બાદ સૌરાષ્ટ્રની ટીમનો ઉત્સાહ સાતમાં આસમાને પહોંચી ગયો છે.