પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની વિવિધ મુદાઓ સાથે મ્યુનિ.કમિશનરને રજુઆત
રાજકોટ નહીં સૌરાષ્ટ્રની ઐતિહાસિક ધરોહરસમા અરવિંદભાઈ મણીયાર હોલ આઝાદી પહેલા અને દેશની આઝાદી બાદનાં અનેક ઈતિહાસનાં ચડાવ ઉતારનો સાક્ષી બની ઉભો છે પરંતુ સ્માર્ટ સીટીની વાતો કરનાર મનપાનું તંત્ર આ ઐતિહાસિક હોલ પ્રત્યે ભયંકર ઉદાસીનતા અને લાપરવાહી દાખવી રહ્યું છે. જેનાં કારણે આ ઐતિહાસિક સ્મારક દિવસે-દિવસે ખરાબ હાલતમાં તબદિલ થઈ રહ્યું હોય તેવી લાગણી શહેરની જનતા અનુભવી રહી છે ત્યારે આ ઐતિહાસિક વારસાની જાળવણી અને જતન કરવું ખુબ જરૂરી હોય છેલ્લા બે વર્ષથી આ હોલ રાજકોટ મહાનગર પાલિકાની સીધી દેખરેખ નીચે સંચાલન થાય છે. અનેક વખત લાખો રૂપિયા પગાર ખાતા એન્જીનીયરો મારફત આ હોલનાં સમારકામનાં સર્વે કરવામાં આવ્યા પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા કાર્યનું શુભ મુહૂર્ત કાઢી શકાયું નથી. પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ રજુઆત કરી છે કે, હોલમાં મુકવામાં આવેલી ખુરશીઓમાંથી મોટાભાગની ખુરશીઓ તુટેલ ફુટેલ હાલતમાં છે જે પાયાથી જ રીનોવેશન કરવું પડે તેમ છે. હોલની છતમાં ફીટ કરવામાં આવેલ લાઈટોમાંથી મોટાભાગની લાઈટો બંધ હાલતમાં છે. હોલમાં દરવાજા પાસે મુકવામાં આવેલી ગ્રીલ (લોખંડ જાળી) કાટ ખાય ગયેલ હાલતમાં અને તુટેલ-ફુટેલ તેમજ ખોલવા-બંધ કરવામાં ખુબ જ તકલીફ કરાવે છે જે તાકિદે બદલવાની જરૂર છે.
હેરીટેજ હોલમાં દિવાલોમાં ખુબ જ ભેજ આવતો હોય છતમાં પણ ભેજ આવતો હોય જે ધ્યાને લઈ સર્વે કરી સમગ્ર હોલનું રીનોવેશન કરવું ખુબ જરૂરી છે. આ હેરીટેજ હોલમાં ટોયલેટ-બાથરૂમ અને સમગ્ર હોલની સફાઈ અને આધુનિક પઘ્ધતિની વ્યવસ્થાથી સાફ સફાઈ કરાવવી ખુબ જરૂરી છે. આ હેરીટેજ હોલની બાજુમાં આવેલ ઐતિહાસિક ગાર્ડનમાં આવેલ છત્રી તેમજ અન્ય બાલ ક્રિડાંગણમાં સાધનો તુટ-ફુટ થઈ ગયેલા હોય અને સમગ્ર બગીચો અત્યંત ખરાબ હાલતમાં છે જેની પણ જાળવણી થાય નિયમિત સફાઈ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ માંગણી કરી છે.