છેલ્લા ધણા સમયથી ચાલી રહેલા સફાઈ કામદારોની હડતાલનો સુખદ અંત
સુરેન્દ્રનગર નગરપાલિકાના ૨૮૦ સફાઇ કામદારોને રાતો રાત છૂટ્ટા કરી દેવાતા રોષની લાગણી ફેલાઇ હતી. ત્યારે અંગે આંદોલનાત્મક કાર્યવાહીના એંધાણ વર્તાતા પાલિકા ખાતે સફાઇ કામદારો સાથે બેઠક યોજી તમામને ફરજ પરત લેવાનો નિર્ણય કરાયો છે.
સુરેન્દ્રનગર નગરપાલિકામાં કોન્ટ્રાકટ એજન્સી હેઠળ ફરજ બજાવતા ૧૮ ડ્રાઇવર અને ૨૮૦ સફાઇ કામદારોને રાતો રાત ફરજ પરથી મુકત કરવામાં આવ્યા હતા. જેના લીધે સફાઇ કામદારોએ એકઠા થઇ તંત્ર સામે લડી લેવાની તૈયારી દાખવી આંદોલનની ચીમકી આપી હતી. ત્યારે પાલિકા ખાતે બુધવારે સાંજે સફાઇ કામદારોની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, ધારાસભ્ય વર્ષાબેન દોશી, પાલિકા પ્રમુખ શીલાબા ઝાલા, શહેર ભાજપ પ્રમુખ ચંદ્રશેખરભાઇ દવે, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, ચેરમેન જીજ્ઞાબેન પંડ્યા, વિરેન્દ્રભાઇ આચાર્ય સહિતનાઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે સફાઇ કામદારોને ફરજ પર પરત લેવાનો નિર્ણય કરાયો હતો. ૨૮૦થી વધુ સફાઇ કામદારો અને ૧૮ ડ્રાઇવરોને નોકરી પર પુન: લેવાતા તેઓના પરીવારજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. પ્રસંગે સફાઇ કામદારોના આગેવાન મયૂરભાઇ પાટડીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.