કચ્છી માડુઓનું નવું વર્ષ: ગામો-ગામ અષાઢી બીજની શોભાયાત્રાને આખરીઓપ મંદિર સુશોભિત, વિશેષ પૂજા-અર્ચન, દર્શનનાં આયોજનો: રથયાત્રા દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત: ધાર્મિક કાર્યોની સાથે શુભકાર્યો પણ યોજાશે
અષાઢ સુદ બીજને ગુરુવારે કાલે પવિત્ર અષાઢી બીજ છે. અષાઢી બીજ મહાઉત્સવમાં આપણે ત્યાં ભવ્ય રથયાત્રા નીકળે છે. સૌરાષ્ટ્રભરનાં નાના-મોટા શહેરો, ગામડાઓમાં ભગવાન જગન્નાથની કાલે રથયાત્રા નીકળશે. આ દિવસે ભગવાન નગરમાં ફરી લોકોને દર્શન આપવા નીકળે છે. શોભાયાત્રા અંતર્ગત ઠેર-ઠેર લોકોને મુશ્કેલી ન પડે, વાહન ચાલકોને સરળતા રહે, ટ્રાફિક ન સર્જાય તે માટે ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. એક વાયકા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રા આ ત્રણેય ભાઈ-બહેન આ દિવસે મામાનાં ઘરેથી પરત ફરી નીજ મંદિરે પધારે છે જેને જોવા લોકો ટોળે વળે છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં મોરબી, વાંકાનેર, જુનાગઢ, ગોંડલ, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતનાં શહેરોમાં કાલે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ભેંસાણ પંથકનાં પરબધામે અષાઢી બીજનો મેળો પણ ભરાય છે. આ ઉપરાંત આ મહોત્સવ નિમિતે અનેક મંદિરોમાં શણગાર, વિશેષ પૂજા-અર્ચન-આરતી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે.
કચ્છી લોકોનું અષાઢી બીજે નવું વર્ષ શરૂ થાય છે. કચ્છી માડુઓમાં આ દિવસનું વિશેષ મહત્વ છે અને ધામધુમથી પર્વ મનાવે છે. અષાઢી બીજે ઘરે-ઘરે લાપસીનાં આંધણ મુકાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો આ પર્વ આનંદ ઉમંગથી ઉજવે છે. અષાઢી બીજથી તહેવારોની મોસમ પણ શરૂ થાય છે. લાગલગાટ એક પછી એક તહેવાર આવે છે.
’અષાઢી બીજે ધાર્મિક કાર્યો સાથે શુભકાર્યો પણ થાય છે. એટલે કે નવા મકાન, વાહનની ખરીદી, વાસ્તુ, કથા વગેરે જેવા શુભ કાર્યો શુકનવંતી અષાઢી બીજે કરવામાં આવે છે. ધાર્મિક સ્થળોએ ભગવાનનાં દર્શનાર્થે, હરવા-ફરવા સહેલાણીઓ ઉમટી પડે છે.