આધારકાર્ડની પ્રિન્ટ કઢાવવાનો ભાવ રૂ|.૧૦ થી વધારી ૩૦ જયારે સુધારા-વધારાનો ભાવ રૂ|.૨૫ થી વધારી રૂ|.૫૦ કરાયો
મોટાભાગની સરકારી યોજનાઓનો લાભ લેવા સહિતનાં કામકાજ માટે કેન્દ્ર સરકાર દ્વારા આધારકાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. યુઆઈડીઆઈ દ્વારા આધારકાર્ડ કઢાવવા અને સુધારો કરવા માટેનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ આધારકાર્ડ કઢાવવા માટે એક રૂપિયો પણ ચાર્જ લેવામાં આવતો ન હતો. આધારકાર્ડની નોંધણી નવાં ભાવપત્રકમાં પણ સંપૂર્ણપણે ફ્રિ રાખવામાં આવી છે જયારે ફરજીયાત બાયોમેટ્રીક અપડેટની કામગીરી પણ ફ્રિ રખાઈ છે જયારે આધારકાર્ડમાં નામ, સરનામું, જન્મતારીખ જેવી તમામ વિગતો અપડેટ કરાવવા માટે હાલ રૂ|.૨૫ ચાર્જ વસુલ કરવામાં આવે છે જે હવેથી જીએસટી સાથે રૂ|.૫૦ વસુલ કરવામાં આવશે. આ ઉપરાંત ફરજીયાત સિવાયનાં કિસ્સામાં બાયોમેટ્રીક અપડેટ માટે હાલ જે ૨૫ રૂપિયા ચાર્જ વસુલ કરવામાં આવે છે તે રૂ|.૫૦ કરવામાં આવ્યો છે. અત્યારસુધી આધારકાર્ડ સર્ચ અને પ્રિન્ટ કઢાવવા માટે માત્ર રૂ|.૧૦ વસુલ કરવામાં આવતા હતા જે હવેથી રૂ|.૩૦ વસુલ કરવામાં આવે છે. યુઆઈડીઆઈ નવી દિલ્હીનાં ઓફિસ મેમોરેન્ડમ અનુસાર આધારકાર્ડમાં નવી નોંધણી અને અપડેટ માટેનાં જે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેની મહાપાલિકામાં અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આધારકાર્ડ દિઠ સરકાર દ્વારા ગ્રાન્ટ ચુકવવામાં આવતી હતી અને આધારની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય હાલ ગ્રાન્ટ પેટે ખુબ જ મામુલી રકમ મળે છે. આવામાં સુધારા-વધારા માટે અરજદારોનો સારો એવો ઘસારો રહે છે. આ કિસ્સામાં સ્ટેશનરી સહિતનો ખર્ચ કાઢવા માટે આધારકાર્ડ કઢાવવા કે સુધારા-વધારા કરવાની કામગીરીનો ચાર્જ ૨ થી ૩ ગણો વધારવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.