સાંઢીયાપુલ અને કેસરી હિંદ પુલ પહોળો કરવા કન્સલ્ટન્ટની નિમણુંક કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: સોમવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ ૪૦ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે શહેરનાં અલગ-અલગ રાજમાર્ગો પર ૭ સ્થળે બ્રિજ બનાવવાની જાહેરાત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ચાલુ સાલનાં બજેટમાં કરવામાં આવી હતી. બ્રિજ બનાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ, રામાપીર ચોકડી ઉપરાંત કોઠારીયા સોલવન્ટ પાસે બ્રિજ બનાવવા તથા જામનગર રોડ પર સાંઢીયાપુલ અને કેસરી હિંદ પુલને પહોળો કરવા માટે કન્સલ્ટન્ટની નિમણુક કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આગામી સોમવારે મહાપાલિકામાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ ૪૦ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરનાં ઉતરોતર વાહનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે પશ્ર્ચિમ રેલવે વિભાગની રેલવે લાઈનો જયાંથી પસાર થાય છે ત્યાં ક્રોસીંગ પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સતત ટ્રાફિકથી ધમધમતા એવા સર્કલ ખાતે પણ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ચાલુ સાલનાં બજેટમાં શહેરમાં ૭ બ્રિજ બનાવવામાં આવશે તેવી ઘોષણા કરવામાં આવી છે. શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીઆરટીએસ રૂટ પર નાનામવા ચોકડી તથા રામાપીર ચોકડી ખાતે બ્રિજ બનાવવા ઉપરાંત કોઠારીયા સોલવન્ટ રોડ પર રેલવે ક્રોસીંગ પાસે બ્રિજ બનાવવાનાં કામ માટે તથા જામનગર રોડ પર સાંઢીયો પુલ અને કેસરી હિંદ પુલને પહોળો કરવા માટે જરૂરી ફિઝીબીલીટી રીપોર્ટ તૈયાર કરી ડીપીઆર બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણુક કરવાની રહે છે. આ માટે તાજેતરમાં ઓફર મંગાવવામાં આવી હતી જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ શહેરની અલગ-અલગ ૬ એજન્સીઓએ ઓફર રજુ કરી હતી. જેમાં એલ વન એવી રાજકોટની જિંન્દાલ્સ ક્ધસોટીયમ દ્વારા કોઠારીયા સોલવન્ટ રોડ પર બ્રિજ માટે રૂ|.૧૦.૬૦ લાખ, નાનામવા ચોકડીએ બ્રિજ માટે રૂ|.૧૨.૫૦ લાખ, રામાપીર ચોકડી ખાતે બ્રિજ માટે રૂ|.૧૦.૫૦ લાખ, જામનગર રોડ પર સાંઢીયો પુલ પહોળો કરવા માટે રૂ|.૧૦.૫૦ લાખ અને કેસરી હિંદ પુલને પહોળો કરવાનાં કામ માટે રૂ|.૧૦.૬૦ લાખ સહિત પાંચેય બ્રિજ માટે રૂ|.૫૪.૫૭ લાખની ઓફર આપી છે. એલ વન એવી જિંન્દાલ્સ ક્ધસોટીયમને કામ આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
તેઓએ ઉમેયુર્ં હતું કે, આગામી સોમવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઉપરાંત શહેર માટે પબ્લીક હેલ્થ બાયલોઝ મંજુર કરવા, ગોંડલ રોડ અને મવડી ચોકડીએ પીપીપીનાં ધોરણે પબ્લીક ટોયલેટ બનાવવા, યોગ દિવસ નિમિતે થયેલા એકવા યોગ કાર્યક્રમમાં થયેલો ખર્ચ મંજુર કરવા, આવાસ યોજના સિવાયનાં હેતુગત પ્રોજેકટ માટે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણુક કરવા, આજી રીવર રી-ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત આજી નદીનાં પુલથી પોપટપરા સુધી ઈન્ટરસેપ્ટર સીવરેઝ લાઈન નાખવા તથા વોર્ડ નં.૪માં જુના જકાતનાકા પાસે કોમ્યુનિટી હોલ બનાવવા માટે ટીપીઆરની નિમણુક કરવા સહિતની અલગ-અલગ ૪૦ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.