ભાવનગરમા મેડિકલ સ્ટોર સંચાલક પર દવાની આડ અસર થયાનું આળ મુકી છ શખ્સે લૂંટી લીધો
પોલીસ માટે કયારેક વિમાસણ જેવી સ્થિતી સર્જાતી હોય છે. ફરિયાદી સામે કાયદાકીય કાર્યવાહી કરવી કે આરોપી સામે? ગમે તેવી સ્થિતીમાં પોલીસ પોતાનો ફાયદો શોધી કાર્યવાહી કરી લેતી હોય છે. ભાવનગરમાં નવ ધોરણ સુધી અભ્યાસ કરી મેડિકલ સ્ટોર ધરાવતા શખ્સ સામે કાર્યવાહી કરવી કે તેની દવાના કારણે આડ અસર થયાનું આળ મુકી રૂ.૧.૬૫ લાખની લૂંટ ચલાવનાર સામે કાર્યવાહી કરવી જો કે બંને સામે કાર્યવાહી થવી જોઇએ તેમ છતાં ભાવનગર પોલીસે લૂંટ ચલાવનાર સામે ગુનો નોંધી સંતોષ માન્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં ભીમરાવ સોસાયટી સામે ભરતનગરમાં રહેતા અને બોળ તળાવ વિસ્તારમાં સાક્ષી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર ધરાવતા બિપીનભાઇ ઇશ્ર્વરભાઇ વઘાણીએ રવિ જયંતી રાઠોડ સહિત છ શખ્સોએ તારી દવાના કારણે આડ અસર થતા રૂ.૫ લાખનું ખર્ચ થયાનું કહી રૂ.૧.૬૫ લાખની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મેડિકલ સ્ટોર સંચાલક બિપીન વઘાણી પોલીસ ફરિયાદમાં જ પોતે ધોરણ નવ સુધી અભ્યાસ કર્યાનું જણાવે છે. નવ ધોરણ સુધીનો અભ્યાસ ધરાવતી વ્યક્તિ કંઇ રીતે મેડિકલ સ્ટોર ચલાવી શકે તે અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ થવી જરૂરી છે તેમ ખરેખર બિપીન વઘાણીની દવાના કારણે જ રવિ રાઠોડને આડ અસર થઇ હોય તો તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ તેમ છતાં પોલીસે બિપીન વઘાણીને લૂંટી લીધાની ફરિયાદ નોંધી છે.
દવાની આડ અસર થઇ હોય તો તે અંગે રવિ વઘાણીએ યોગ્ય જગ્યાએ ફરિયાદ કરી વળતર મેળવવું જોઇએ તેના બદલે કાયદો હાથમાં લઇ લૂંટ ચલાવે તે પણ ગુનો હોવાથી તેની સામે લૂંટનો ગુનો નોંધાવવો જ જોઇએ પણ બિપીન વઘાણી દ્વારા પણ ઉટ વૈદની જેમ દવા આપી માનવ જીંદગી સાથે ચેડા કરતો અટકાવવો જરૂરી બન્યું છે.