શેરબજારમાં શરૂઆતી ઉછાળો બપોરે ધોવાયો: સેન્સેકસમાં ૧૮૯ અને નિફટીમાં ૫૨ પોઈન્ટનો ઘટાડો
પૂર્ણ બહુમત સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીજી ઈનીંગનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે જેનાં ભારતીય શેરબજારે પણ ઓવારણા લીધા હોય તેમ આજે સેન્સેકસે ૪૦,૦૦૦ અને નિફટીએ ૧૨,૦૦૦ પોઈન્ટનો મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી હતી તો ડોલર સામે રૂપિયો ૯ પૈસા મજબુત બન્યો હતો. જોકે સેન્સેકસ અને નિફટીમાં શરૂઆતી સુધારો બપોર સુધીમાં ધોવાઈ ગયો હતો અને સેન્સેકસ ૪૦,૦૦૦ની અંદર જયારે નિફટી ૧૨,૦૦૦ની અંદર ગરકાવ થઈ ગયા હતા.
ગઈકાલે મોદીની તાજપોશીને શેરબજારે આગોતરી સલામ મારી હતી અને સેન્સેકસમાં ૩૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. મંત્રીમંડળનાં ગઠન બાદ આજે શેરબજારમાં પણ વધુ મજબુતી જોવા મળી હતી. સપ્તાહનાં અંતિમ ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા.
ઉઘડતી બજારે જ સેન્સેકસે ૪૦,૦૦૦ અને નિફટીએ ૧૨,૦૦૦ પોઈન્ટનો મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. અમેરિકી ડોલર સામે આજે રૂપિયામાં ૯ પૈસાની મજબુતી જોવા મળી હતી. શરૂઆતી ઉછાળો બપોરનાં સમયે ધોવાઈ ગયો હતો અને સેન્સેકસ ૪૦,૦૦૦ અને નિફટી ૧૨,૦૦૦ની અંદર ગરકાવ થઈ ગયા હતા. ઉચા મથાળે વેચવાલીનો દૌર શરૂ થતાં માર્કેટમાં મંદી આવી હોવાનું મનાઈ રહ્યું છે.
આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૨:૩૦ કલાકે સેન્સેકસ ૧૮૨ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૯,૬૫૦ પોઈન્ટ પર અને નિફટી ૫૦ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૮૯૬ પોઈન્ટ પર કામકાજ કરી રહી છે જયારે અમેરિકી ડોલર સામે રૂપિયો ૯ પૈસાની મજબુતી સાથે ૬૯.૭૮ પર ટ્રેડ કરી રહ્યો છે.