એસપીએલમાં આજે સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે ફાઈનલ
સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ગત ૧૪મી મેનાં રોજ ધમાકેદાર પ્રારંભ થયો હતો. સૌરાષ્ટ્રની પાંચ ટીમે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં ભાગ લીધો હતો. તમામ મેચ રસાકસીભર્યા રહ્યા હતા. સૌરાષ્ટ્રવાસીઓએ એસપીએલનો આનંદ ઉઠાવ્યો હતો. રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમમાં છેલ્લાં ૮ દિવસમાં આઈપીએલ જેવો માહોલ સર્જાયો હતો ત્યારે ગઈકાલે કચ્છ વોરિયર્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાયો હતો. કચ્છને પાંચ વિકેટે હરાવી ઝાલાવાડ રોયલ્સે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
આજે સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે રોમાંચક ફાઈનલ મુકાબલો રમાવવાનો છે ત્યારે બંને ટીમો દ્વારા એસપીએલની પ્રથમ વિજેતા ટીમ બનવા તડામાર પ્રેકટીસ કરી રહી છે. સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં મંગળવારે કચ્છ વોરિયર્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચેનો મેચ નિર્ણાયક સાબિત થયો હતો.
ફાઈનલમાં પ્રવેશવા માટે બંને ટીમનાં ખેલાડીઓ જુસ્સાભેર મેદાનમાં ઉતર્યા હતા. ઝાલાવાડે ટોસ જીતી કચ્છને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. કચ્છની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૨૯ રન ફટકાર્યા હતા. બીજી તરફ ૧૨૯ રનનાં લક્ષ્યાંકને આંબવા દાવ લેવા ઉતરેલા ઝાલાવાડનાં બેટસમેનોએ ધીમી પરંતુ મજબુત શ‚આત કરી હતી ત્યારે મેચની છેલ્લી ઓવર રોમાંચક બની ગઈ હતી.
ઝાલાવાડને ૬ બોલમાં ૬ રનની જ‚ર હતી છેલ્લી ઓવર સુધી રોમાંચભર્યા રહેતા ક્રિકેટ રસીયાઓ પણ ઉતેજિત થઈ ગયા હતા અને અંતે અંતિમ ઓવરમાં ચોથા બોલે ઝાલાવાડે જીત મેળવી ધમાકેદાર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
આજે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો ફાઈનલ મેચ સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે સાંજે ૭:૩૦થી રમાવવાનો છે. બંને ટીમો સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનું પ્રથમ ટાઈટલ મેળવવા જુસ્સાભેર મેદાનમાં ઉતરવાના છે ત્યારે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં વિજેતા ટીમને ૧૦ લાખ અને રનરઅપ ટીમને ૫ લાખનું રોકડ ઈનામ આપવામાં આવશે.