નિફટીમાં પણ ૧૨૭ પોઈન્ટનો ઉછાળો: અમેરિકી ડોલર સામે રૂપિયામાં નરમાશ
ભારતીય શેરબજારમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી આવતી મંદીને ચાલુ સપ્તાહથી થોડી બ્રેક મળી છે. આજે ટ્રેડીંગના અંતિમ દિવસે મુંબઈ શેરબજારમાં બન્ને આગેવાન ઈન્ડેક્ષમાં જોરદાર ત્તેજી જોવા મળી હતી. સેન્સેકસ ૪૫૫ તો નિફટી ૧૭૨ પોઈન્ટ ઉંચકાયા હતા. જયારે અમેરિકી ડોલર સામે રૂપિયામાં નરમાશ જોવા મળી હતી.
આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ઓપન થયું હતું. રોકાણકારોએ ભારે વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર શરૂ કરતા દિવસ દરમિયાન તેજી જળવાઈ રહેવા પામી હતી. સેન્સેકસ અને નિફટી સાથે સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્ષમાં પણ ગ્રીન ઝોન જોવા મળ્યા હતા. અમેરિકી ડોલર સામે આજે રૂપિયામાં થોડી મજબૂતી બાદ નરમાશ આવી જવા પામી હતી. સેન્સેકસે આજે ૩૭૫૦૦ની સપાટી ઓળંગતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૪૫ કલાકે સેન્સેકસ ૪૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૮૮૮અને નિફટી ૧૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૮૪ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યાં છે. જયારે સ્મોલકેપ ઈન્ડેક્ષમાં ૨૭ અને મિડકેપ ઈન્ડેક્ષમાં ૧૭૫ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે તેજીમાં બજાજ ફાઈનાન્સમાં ૫.૩૬ ટકા, બજાજ ફીનસર્વમાં ૪.૬૧ ટકા, ઝી એન્ટરટેઈનમાં ૪.૩૮ ટકા અને હિરો મોટર કોર્પમાં ૩.૪૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બપોરે અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૬ પૈસાની નરમાશ સાથે ૭૦.૧૯ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.