૨૦૧૫માં પર્યુષણ પર્વ પર જીનાલયો બહાર માંસ ખાવાની શિવસેનાની
હરકતને દેવરાએ આ ચૂંટણીમાં યાદ અપાવીને જૈનોને શિવસેનાને સબક
શીખવવા અપીલ કરી હતી: ચૂંટણીપંચનો દેવરાને ઠપકો
૧૭મી લોકસભાની ચૂંટણી માટે હવે આખરી સાતમો તબકકો બાકી છે. ત્યારે રાજકીય પંડીતો પરિણામમાં વિવિધ ગણીતો લગાવવા લાગ્યા છે. આવા જ એક ગણીતમાં મુંબઈ દક્ષિણની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવરાએ આ મતક્ષેત્રમાં બહુમતિમાં રહેલા જૈનો અને ગુજરાતી મતદારોને આકર્ષવા કરેલા પ્રયાસોથી તેમનો વિજય નિહાળી રહ્યાં છે. શિવસેનાએ વર્ષ ૨૦૧૫માં જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ પર દેરાસરો, જીનાલયો બહાર જાહેરમાં નોન-વેજ ખાવાનું આંદોલન કર્યું હતું. તેનો દેવરાએ આ ચૂંટણીમાં જૈનો અને ગુજરાતી મતદારોમાં પ્રચાર-પ્રસાર કર્યો હતો.
દેવરાની તરફેણમાં જૈનો અને ગુજરાતીઓએ ભારે મતદાન કર્યું હોવાની સંભાવના વ્યકત થઈ રહી છે. મિલિન્દ દેવરાએ તેની એક જાહેરસભામાં શિવ સેનાની આ બાલિશતા અંગે જૈનોને ચેતવીને તેનો શિવસેનાને પાઠ ભણાવવા અપીલ કરી હતી. આ અંગે શિવસેનાએ તેને આચારસંહિતા ભંગ સમાન ગણીને ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી જેથી ગઈકાલે ચૂંટણીપંચે દેવરાને આ મુદ્દે ચેતવણી આપીને ભવિષ્યમાં ધ્યાન રાખવાની તાકીદ કરી હતી. આ મુદ્દે ચૂંટણીપંચે શિવસેનાની ફરિયાદ મળ્યા બાદ દેવરાને શો-કોઝ નોટિસ આપીને જવાબ આપવા સુચના આપી હતી. દેવરાએ રજૂ કરેલા પોતાના જવાબ બાદ ચૂંટણીપંચ આ મુદ્દે ગઈકાલે પોતાના આખરી નિર્ણય જાહેર કરીને દેવરાને ઠપકો આપ્યો હતો.
મુંબઈ દક્ષિણની બેઠક પર ૨૯મીમી એપ્રીલે મતદાન થઈ ચૂકયું છે. આ બેઠક પર કોંગ્રેસના મિલિન્દ દેવરા સામે શિવસેનાના વર્તમાન સાંસદ અરવિંદ સાવંત મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં જૈનોના પર્યુષણ પર્વ પર મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં માંસ વેંચવા પર પ્રતિબંધ મુકવા જૈનોએ માંગણી કરી હતી.
જેને ભાજપની મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી હતી પરંતુ બૃહદ મુંબઈ મહાનગરપાલિકામાં બહુમતિ ધરાવનારી શિવસેનાએ જૈનોની આ માંગણીને ઠુકરાવી દીધી હતી. માત્ર એટલું જ નહીં શિવ સૈનિકોએ જૈન દેરાસરો, જિનાલયો બહાર જાહેરમાં માંસ ખાઈને જૈનોની લાગણી દુભાઈ તેવું વાતાવરણ ઉભુ કર્યું હતું. દેવરાએ આ ચૂંટણીમાં આ મુદ્દો ઉપસ્થિત કરીને શિવસેનાની દુ:ખતી રગ પર હાથ મુકી દીધેલ હતો.