એમ.ડી. , એમ.એસ. , ઓર્થોપેડીક , ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ વિવિધ રોગોના નિષ્ણાંત તબીબની જગ્યા ભરવા માંગણી
ચોટીલા ની સરકારી રેફરલ હોસ્પીટલ માં રોજ ના ૩૫૦ થી ૫૦૦ ઓપીડી કેસો અને ઇમરજન્સી કેસો ની પણ ભરમાર રહેતી હોવાં છતાં અને ચોટીલા શહેર તથા તાલુકા ના ૮૩ ગ્રામ્યવિસ્તારો માટે અત્યંત આધારરૂપ સરકારી રેફરલ હોસ્પીટલ માં એમ.ડી., એમ.એસ. સહિત અનેક જગ્યાઓ ઘણાં જ સમય થી ખાલી છે.જેના કારણે હજ્જારો દર્દીઓ ને પારાવાર પરેશાની ભોગવવી પડી રહી છે. આ જગ્યા ભરવા અને નિષ્ણાંત ડોક્ટરો ની જગ્યા ભરવા માંગણી ઉઠી છે.
ચોટીલા શહેર અને આ તાલુકા ના ૮૩ ગામો ની અંદાજે દોઢ લાખ ઉપરાંત ની વસ્તિ તથા ચોટીલા ના હાઇવે ઉપર અકસ્માતો માં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં મુસાફરો અને ઇમરજન્સી કેસો માટે આ સરકારી રેફરલ હોસ્પીટલ ખુબ જ આધારરૂપ છે. આ હોસ્પી.માં રોજ ૩૫૦ થી ૫૦૦ જેટલાં ઓપીડી કેસો હોય છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે ઘણાં જ વર્ષો થી આ હોસ્પી.માં એમ.ડી.અને એમ.એસ.ડોક્ટરો ની જગ્યા સાવ ખાલી છે.
આ હોસ્પી.માં દર માસે અંદાજે ૧૫૦ જેટલાં પ્રસુતિ ના કેસો આવે છે ત્યારે સર્જન ડોક્ટર ના હોવાંથી આ પ્રસુતિઓ આ હોસ્પી.ના અન્ય એમ. બી. બી. એસ. ડોક્ટરો એ નાછુટકે કરવી પડે છે. તેવી જ રીતે ચોટીલા શહેર તથા ગામડાં ઓ ની મહીલા દર્દીઓ માટે ગાયનેકોલોજીસ્ટ ની પણ ખાસ જરૂર છે.
તેમ જ બાળ રોગ નિષ્ણાંત અને ઓર્થોપેડીક ડોક્ટરો ની કાયમી નિમણુંક કરવાની પણ આવશ્યક્તા ઉભી થઇ છે. ચોટીલા ની જનતા ની માંગણી છે કે તુર્ત જ ડોક્ટરો ની ભરતી કરવામાં આવે. આ અંગે હોસ્પી.ના ડો.રવીભાઇ ઝાંપડીયા એ જણાંવ્યું હતું કે હોસ્પી.માં હોસ્પીટલ માં ડોક્ટરો ની નિમણુંક અને અન્ય બાબતો માટે જરૂર ઉચ્ચકક્ષા એ રજુઆત કરવામાં આવશે.
અનેક પોસ્ટમાં ઇન્ચાર્જ અથવા ડેપ્યુટેશન ઉપર ફરજ ચાલુ છે
રેફરલ હોસ્પીટલ માં જુના વહીવટી અધિકારી નિવૃત થયાં ના ઘણાં મહીનાઓ બાદ પણ આ જગ્યા ખાલી છે તેવી જ રીતે ફાર્માસીસ્ટ નો ચાર્જ સંભાળતા કર્મી પણ ડેપ્યુટેશન ઉપર છે.
બાળ દર્દીઓએ સારવાર માટે બપોર પછી જ આવવુંં !
રેફરલ હોસ્પીટલ માં બાળરોગ નિષ્ણાંત સાંજે ૪ થી ૬ વાગ્યાં સુધી જ ઉપલબ્ધ હોય છે ત્યારે આ પોસ્ટ પણ કાયમી સવાર સાંજ બન્ને ટાઇમ બાળકો ની સારવાર નિદાન થાય તે સુવિધા શરૂ કરવાની પણ ખાસ જરૂર છે.
હાડકા ભાંગેલા દર્દીઓ માટે શનિ-રવિ રજા
ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ ગામ છે અને ગંભીર અકસ્માતો અવારનવાર થતાં હોય છે ત્યારે એક્સ – રે તથા લેબોરેટરી વિભાગ શનિવારે અડધો દિવસ જ ચાલુ હોય છે અને રવીવારે રજા હોય છે ત્યારે શનિવારે બપોર પછી કે રવીવારે કોઇ ગંભીર ઇજાગ્રસ્ત કે ઇમરજન્સી કેસ આવે તો નાછુટકે રાજકોટ રીફર કરવા પડે તેવી હાલત ઉભી થઇ છે.