કાલથી ૪ એપ્રીલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે: ૫ એપ્રીલ સુધી ઉમેદવારી ફોર્મની ચકાસણી, ૮ એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે: ૨૩મી એપ્રીલે મતદાન
ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો સહિત ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે આગામી ૨૩ એપ્રિલના રોજ ત્રીજા તબકકામાં યોજાનારા મતદાન માટે આવતીકાલે સતાવાર રીતે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થશે. ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો કાલથી ૪ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ૫ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ૮ એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. આવતીકાલે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતું હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષો રાજયની ૨૬ બેઠકો માટે હજી ઉમેદવારોના નામ જાહેર કરી શકી નથી. ભાજપે ૧૬ જયારે કોંગ્રેસે ૬ બેઠકો માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
લોકસભાની ૫૪૩ બેઠકો માટે આગામી ૧૧ એપ્રિલથી લઈ ૧૯ મે સુધીમાં ૭ તબકકામાં મતદાન યોજાવાનું છે. જેમાં ૨૩ એપ્રિલના રોજ ત્રીજા તબકકાના મતદાનમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો સહિત ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં આસામની ૪ બેઠક, બિહારની ૫ બેઠક, છતીસગઢની ૭ બેઠક, ગુજરાતની ૨૬ બેઠક, ગોવાની ૨ બેઠક, જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક, કર્ણાટકની ૧૪ બેઠક, કેરલની ૨૦ બેઠક, મહારાષ્ટ્રની ૧૪ બેઠક, ઓડિસાની ૬ બેઠક, ઉતરપ્રદેશની ૧૦ બેઠક, પશ્ર્ચિમ બંગાળની ૫ બેઠક, દાદરાનગર હવેલીની ૧ બેઠક અને દમણ-દીવની ૧ લોકસભા બેઠક માટે મતદાન યોજાશે.
ત્રીજા તબકકાના મતદાન માટે આવતીકાલથી ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પણ આરંભ થઈ જશે. રાજયની ૨૬ બેઠકો પૈકી જે બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે હજી સુધી પોતાના ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી તેવી બેઠકો માટે સંભવત: આવતીકાલ સુધીમાં ઉમેદવારના નામની સતાવાર ઘોષણા કરી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે. કાલથી ૪ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ૫ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે અને ૮ એપ્રિલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમતિથીના દિવસે ચુંટણીનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ૨૩એપ્રિલના રોજ સવારે ૭ થી સાંજના ૬ કલાક સુધી મતદાન હાથ ધરવામાં આવશે. ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો ઉપરાંત ઉંઝા, તાલાલા, માણાવદર અને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પણ પેટાચુંટણી માટેનું મતદાન યોજાશે. મતદાનના એક માસ બાદ એટલે કે ૨૩ મેના રોજ લોકસભાની તમામ ૫૪૩ બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે.