સોનાની દુકાનમાંથી રૂ.૯૦ લાખનાં દાગીના ચોરી કર્યા હોવાના આક્ષેપ બાદ પઠાણી ઉઘરાણી કરી રૂ.૨૪ લાખ પડાવી લીધા બાદ કર્મચારીએ ફીનાઈલ ગટગટાવ્યું
જુનાગઢમાં સોના-ચાંદીના દાગીનાના શો-રૂમમાં એક જ માલિક સાથે લગભગ એક દાયકા કરતા વધુ સમયથી કામ કરતા માણસ પર ૯૦ લાખ રૂપિયાની ચોરીનો આક્ષેપ કરતા અને આક્ષેપ બાદ શેઠના પરીવારે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી પરીવાર પાસેથી ૨૪ લાખ પડાવ્યા તેમજ સ્ટેમ્પ પેપર પર લખાણ બતાવ્યાં વગર ડરાવી ધમકાવી સહીઓ કરાવતા લાગી આવતા માણસે ફિનાઈલ તેમજ એસીડ પી લેતા ગંભીર હાલતમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જયાં કલાકોની જહેમત બાદ ભાનમાં આવતા પોલીસે તેનું નિવેદન લઈ ગુનો નોંધતા સોની વેપારી મહાજનોના વર્તુળમાં આ વાતને લઈને ચકચાર વ્યાપી જવા પામી હતી.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ વણઝારી ચોક વિસ્તારમાં આવેલ શ્યામ જવેલર્સ નામના શો‚મમાં કામ કરતા અને ઝાંઝરડા રોડ ગૌશાળા પાછળ પંચામૃત એપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિક ગુણવંતભાઈ લાઠીગરા ગત તા.૧૭ના રાત્રીના બાર વાગ્યાના સુમારે પરીવારને ૧૦૮ એમ્બ્યુલન્સવાળાઓના માધ્યમથી બેભાન અવસ્થામાં ચોબારી રોડ પરથી મળી આવ્યાની જાણ થતા પરીવાર તાબડતોબ દવાખાને પહોંચ્યો હતો જયાં તેની અત્યંત ગંભીર હાલત હોય બેભાન અવસ્થામાં હોય શરૂઆતના તબકકામાં પોલીસ નિવેદન નોંધી શકી ન હતી. કલાકોની મેડિકલ સારવાર બાદ હાર્દિક લાઠીગરા ભાનમાં આવતા તેમણે પોલીસને નિવેદન આપ્યું હતું કે, પોતે શ્યામ જવેલર્સ નામના સોના-ચાંદીના દાગીનાનાશો-રૂમમાં કામ કરે છે જયાં તેમના શેઠ સહિત અન્યોએ ૯૦ લાખ રૂપિયાની ચોરીનો આરોપ મુકયા બાદ પરીવારે ધમકાવી ૨૪ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સ્ટેમ્પ પેપર ઉપર કશુ લખાણ કરી આ લખાણને દબાવી સહીઓ કરાવી લીધી.
પરીવારે દુકાનના સીસીટીવી ફુટેજ બતાવવાનો આગ્રહ પણ કર્યો હતો જે ન માની તારે રૂ.૯૦ લાખ ચુકવવા જ પડશે એવું કહેતા લાગી આવતા હાર્દિક લાઠીગરા ફીનાઈ તેમજ એસીડ બંને પી ગયેલ પોલીસે ફરિયાદીનું નિવેદન લઈ શ્યામ જવેલર્સવાળા જીતુભાઈ, શૈલેષભાઈ, અનિલભાઈ, કાર્તિકભાઈ સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથધરી હતી. આ બનાવની તપાસ પી.એસ.આઈ બી.કે.વાઘ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.