બેસ્ટ ઓફ લક: કાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
કાલે ધો.૧૦માં ગુજરાતી, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળ તત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર
બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને કુમ–કુમ તિલક કરીને મોં મીઠા કરાવાશે: વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા સજજ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કાલથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દરેક જિલ્લામાં પ્રશ્નપેપરો પણ પહોંચી ગયા છે. આજથી કંટ્રોલરૂમ અને વ્યવસ્થાનો ધમધમાટ પણ શ‚ થઈ ગયો છે. દરેક પરીક્ષાર્થીઓને તેમના બેઠક ક્રમાંક સ્કુલોમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે આવતીકાલથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં ધો.૧૦માં ગુજરાતી, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મુળતત્વો અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર રહેશે. ધો.૧૦ની પરીક્ષાનો સમય સવારે ૧૦:૩૦ થી ૧:૩૦ સુધીનો રહેશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો ટાઈમ બપોરે ૩:૦૦ થી ૬:૧૫ સુધીનો રહેશે.
જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય ૩:૦૦ થી ૬:૩૦ કલાક સુધીનો રહેશે. આ વર્ષે ધો.૧૨ના સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રની ઉતરવહિમાં ગ્રાફ પેપર અલગથી આપવાને બદલે ઉતરવહિમાં જ છાપી દેવામાં આવ્યું છે. તેમજ ભુગોળના પેપરમાં નકશો અલગ નહીં પરંતુ ઉતરવહીમાં જ છાપી દેવામાં આવશે. પરીક્ષાર્થીઓને પાણી પીવા માટે પરીક્ષાખંડની બહાર જવું નહીં પડે. દરેક પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થીને તેમની બેઠક ઉપર જ પટ્ટાવાળા દ્વારા પાણી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
કાલથી શ‚ થનારી પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના કુલ ૯૭ હજારથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જેમાં ૩૫૭ બિલ્ડીંગના ૩૩૬૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધો.૧૦માં ૫૭,૦૬૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે તેમના માટે ૧૯૯ બિલ્ડીંગમાં ૧૯૦૪ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૦,૬૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે તેમના માટે ૪૯ બિલ્ડીંગમાં ૫૧૭ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તેવી જ રીતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૮,૪૧૦ વિદ્યાર્થીઓ નોધાયા છે. તેમના ૧૦૯ બિલ્ડીંગમાં ૯૪૭ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ધો.૧૦ના ૨૪ કેદીઓ અને ધો.૧૨ના ૧૩ કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. તેમજ ૫૦ દિવ્યાંગો પણ પરીક્ષા આપનાર છે.
આગામી ૧૯ માર્ચ સુધી યોજાનાર બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજયામાં અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં તેમજ ૧૦૦ મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી નહીં શકાય. છાત્રો પ્રશ્નત્રને લગતું સાહિત્ય સ્થળ કે પરીક્ષાખંડમાં લઈ જઈ નહીં શકે, સુપર વાઈઝરોને મોબાઈલ લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
આવતીકાલથી શ‚ થનારી બોર્ડની પરીક્ષા ૧૯ માર્ચ સુધી યોજાનાર છે જેને લઈને તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે સજજ થઈ ગયા છે.