બસ હવે બહુ થયું, ૪૦ વર્ષથી આતંકી પ્રવૃતિઓને સહન કરતુ ભારત હવે સહન નહીં કરે: મોદી
કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરીને પીઓકેમાં આવેલા આતંકી કેમ્પોનો સફાયો કરીને ૩૦૦ આતંકવાદીઓને મારી નાખ્યા હતા. જે બાદ સમગ્ર દેશભરના નાગરિકો દ્વારા મોદી સરકારનાં આ સાહસને બિરદાવવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હુંકાર કરતા જણાવ્યું હતું કે, હવે આતંકવાદ સહન નહીં કરીએ આતંકીઓ પાતાળમાં છુપાયા હશે તો પણ તેમને મારીશું.
બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં એક જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત છેલ્લા ૪૦ વર્ષથી આતંકવાદને સહન કરતું આવ્યું છે પરંતુ અત્યાર સુધીની સરકારોએ પોતાની વોટ બેન્કનીચિંતામાં આવા આતંકી તત્વો પર કોઈ કાર્યવાહી કરી ન હતી.
જેથી આવા તત્વો બેફામ બન્યા હતા આવા તત્વો દ્વારા સમયાંતરે થતા હુમલાથી હજારો જવાનો શહિદ થયા હતા છતાં સમાધીઓના પેટનુ પાણી નહોતું હલતુ પરંતુ મારો સ્વભાવ આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવાનો છે જેથી હવે આતંકવાદી તત્વો પાતાળમાં હોય કે તેના ઘરોમાં છુપાયેલા હોય તેમને કોઈપણ સંજોગોમાં શોધીને મારીશું જ.
અમારી નીતિ છે કે દુશ્મનને તેના વિસ્તારમાં જઈને મારવા અને હું લાંબી રાહ જોવામાં માનતો નથી.તેમ જણાવીને વિપક્ષોના એર સ્ટ્રાઈક મુદ્દે ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ આપતા મોદીએ ઉમેર્યું હતું કે, ૨૦૧૬માં ઉરીના સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલા કરેલી સર્જિકલ સ્ટ્રાઈક વખતે દેશમાં કયાં ચુંટણી હતી. સતાની કોઈ ચિંતા નથી હું ફકત મારા દેશની સલામતી અંગે ચિંતિત છું.
આ પહેલા બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભાની ચુંટણી પહેલા થયેલા હવાઈ હુમલામાં કેટલા આતંકવાદીઓના મોત થયા તેની વિગતો જાહેર કરવાની માંગ કરી હતી. જયારે કોંગ્રેસના કપિલ સિબ્બલ અને દિગ્વિજયસિંહે આ હવાઈ હુમલાના પુરાવા માંગ્યા હતા જેને મોદીએ સણસણતો જવાબ આપ્યો હતો.
મોદીએ વિપક્ષોને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, શું આ રીતે તમે રાષ્ટ્રીય હિતની સેવા કરી રહ્યા છો ? તમે મારી નીતિઓ પર મને પ્રશ્ર્ન કરી શકો છો. મારા પર વિશ્વાસ ન રાખી શકો તો કંઈ નહીં પરંતુ સશસ્ત્ર દળો પર તો વિશ્ર્વાસ રાખો છો. એર સ્ટ્રાઈક બાદ કોંગ્રેસ સહિતના ૨૧ વિપક્ષી પાર્ટીઓએ એક સંયુકત પ્રસ્તાવ પસાર કરીને સશસ્ત્ર દળોના બલિદાન પર ભાજપ રાજકારણ રમી રમ્યાનો આક્ષેપ મુકયો હતો.
વિપક્ષી દળોએ કર્ણાટકમાં યદુરપ્પા પર આ શહિદીના નામે લોકસભાની તમામ બેઠકો જીતવાનો દાવો કરવાનો અને દિલ્હી ભાજપના પ્રમુખ મનોજ તિવારી રાજકીય રેલીમાં આર્મી જેકેટ પહેરીને આવતા આ મુદા પર વિપક્ષોએ શહિદોના બલિદાન પર ભાજપ રાજકારણ રમી રહ્યાનો આરોપ મુકયો હતો. જેનો મોદીએ ગઈકાલે સણસણતો જવાબ આપ્યો હતો.