રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.પણ વલસાડ પહોંચ્યા…
ગોંડલ સંપ્રદાયના ગુરુ પ્રાણ પરિવારના પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.ના સુશિષ્યા સાધ્વી રત્ના પૂ.યશોમતિબાઈ મ.સ.આજરોજ તા.4/3/19 ના સાંજના સમયે વલસાડ નજીક પ્રાણધામ ખાતે સમાધિ પૂર્વક કાળધર્મ પામેલ છે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.યશોમતિબાઈ મ.સ.એકદમ સરળ,ભદ્રિક અને તપસ્વી હતાં.અસહ્ય વેદના વચ્ચે પણ તેઓની સમતા અજોડ હતી.તેઓ કોઈ પણ પ્રકારની દવા કે ઔષધ લેતા ન હતાં. સમતાભાવે પ્રસન્ન ચિત્તે દર્દને સહન કરતાં હતાં.
રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સ.ના સુશિષ્ય પૂ.પરમ વિનમ્રમુનિ મ.સા.એવમ્ પૂ.પરમ પવિત્ર મુનિ મ.સાહેબે થોડા દિવસ પૂર્વે તેઓને અંતિમ સમયની આરાધના,આલોચના વગેરે કરાવેલ.ગુરુણી મૈયા પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.ના તેઓ પ્રથમ શિષ્ય રત્ના હતાં.સાધ્વી રત્નાઓ પૂ.પ્રજ્ઞાબાઈ મ.સ.,પૂ.શૈલાબાઈ મ.સ.,પૂ.ડૉ. વીરલબાઈ મ.સ.,પૂ.પ્રિયલબાઈ મ.સ.વગેરે સતિવૃંદે તેઓની અગ્લાન ભાવે સેવા – વૈયાવચ્ચ કરેલ.
આજથી પાંચ દાયકા પૂર્વે તેઓએ સૌરાષ્ટ્રની ખાંભાની ધન્યધરા ઉપર તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.શ્રી મુખેથી ” કરેમિ ભંતે”નો દીક્ષા મંત્ર ભણી સંયમ ધમૅ અંગીકાર કરેલ. ખાંભાની પાવન અને પૂણ્ય ભૂમિ ઉપર એક સાથે આઠ – આઠ દીક્ષાઓ થયેલ. તેઓએ 72 વષૅના માનવ જીવનમાં 51 વષૅનું સંયમ જીવનનું પાલન કરી અનેક તપ – જપની સાધના કરેલ.
બગસરાની નિવાસી ખમીર ભરેલા રત્નકુક્ષિણી માતુશ્રી અંબાબેન તથા ધર્મ પરાયણ પિતા ગીરધરભાઈ મેઘાણી પરિવારમાં તેઓએ જન્મ ધારણ કરેલ. મુમુક્ષુ કુંદનબેને ભર્યા સંસારને ઠોકર મારી વૈશાખ સુદ સાતમના તેઓએ ભગવાન મહાવીરનો કઠિનતમ ત્યાગ માર્ગ અંગીકાર કરેલ.
ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશી,સુરેશભાઈ કામદાર(જુનાગઢ)તથા દિલીપભાઈ પારેખે (ગોંડલ) સંયુક્તપણે જણાવ્યું કે પૂ.યશોમતિબાઈ મ.સ.કાળધર્મ પામતા જૈન સમાજને બહુ મોટી ખોટ પડી છે. દેવલોકમાં બીરાજમાન સદ્દગતનો આત્મા શીઘ્રાતિ શીઘ્ર પંચમ ગતિ મોક્ષમાર્ગમાં બીરાજમાન થઈ શાશ્વત સુખોને પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના.