ઉપલેટામાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢીને વિરોધ કરાયો: પાનેલીમાં ત્રાસવાદીઓનું પુતળાદહન
જમ્મુ-કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો ઉપર આતંકીઓએ કરેલા હુમલાના વિરોધમાં અને હુમલામાં શહિદ થયેલા વિર જવાનોને શ્રદ્ધાંજલી આપવા ઉપલેટા તાલુકાનાં ભાયાવદર, પાનેલી, સુપેડી, ડુમીયાણી, લાઠ સહિતના ગામોમાં બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલી અપાઈ હતી.
શહિદ વીર જવાનોને શ્રદ્ધાસુમન આપવા શનિવારે બપોર બાદ શહેરની તમામ દુકાનો બંધ રહી આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો હતો. જયારે રવિવારે સાંજે મુસ્લિમ સમાજ દ્વારા પંચાટન વિસ્તારથી ગાંધી ચોક સુધી કેન્ડલ રેલી યોજી હતી જયારે શહેરના ફકીર સમાજ યુવા ગ્રુપ દ્વારા ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમા સામે કેન્ડલ પ્રગટાવી મૌન પાળી વિર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરેલ હતી. પાનેલી ગામમાં પાકિસ્તાન મુર્દાબાદ વિર શહિદ જવાન અમર રહોના નારા લગાવી ગેલેકસી ગ્રુપ, ઈરકોન ગ્રુપ અને પાનેલી ગ્રામ પંચાયત દ્વારા અપાયેલા ગામ બંધ પાળી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.
ભાયાવદર ગામે સરદારની પ્રતિમા સામે કેન્ડલ પ્રગટાવી આ કેન્ડલ રેલી ગામમાં ફરી પાકિસ્તાન હાય..હાય..ના નારા લગાવ્યા હતા. સુપેડી ગામે આવેલ ઈવા આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઈવા કોલેજ મેનેજીંગ ટ્રસ્ટી ડો.ઉવર્શીબેન પટેલ, ડો.સંજયભાઈ પટેલની આગેવાનીમાં સમસ્ત ગામમાં કેન્ડલ માર્ચ કરી શહિદ વિર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ડુમિયાણી ગામે માજી સાંસદ બળવંત મણવર સંચાલિત પિપલ્સ વેલફેર આશ્રમ શાળાના બે હજાર વિદ્યાર્થીઓ કર્મચારીઓ દ્વારા કેમ્પસમાં બે મિનિટના મૌન પાડી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી.
જયારે તાલુકાના લાઠ ગામે ગામના યુવાન સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાની આગેવાનીમાં ગામમાં આવેલ રામજી મંદિરના સાનિઘ્યમાં વિર શહિદ જવાનોને શ્રદ્ધાસુમન આપવા એક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ગામના સરપંચ પૃથ્વીરાજસિંહે આતંકીઓને પોષણ પુરુ પાડતું પાકિસ્તાને ઘરમાં ઘુસી પાઠ ભણાવવાનો સમય હવે પાકી ગયો હોવાનું જણાવેલ હતું.