વંથલીના બદ્રા ગામની મહિલાનું અપહરણ કરી કરાઇ હત્યા
ગોંડલમાં સામુ જોવાના પ્રશ્ને ખત્રી યુવાનનું ત્રણ શખ્સે ઢીમઢાળી દીધું
સાયલાના ખીતલા ગામે સાઇડ કાપવાના પ્રશ્ને યુવાન પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારાયો
રાજકોટની સળગાવેલી મહિલા અને મારામારીમાં ઘવાયેલા યુવાનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો
આરંભડાના યુવાનની જૂની અદાવતના કારણે હત્યા: ચારની ધરપકડ
સૌરાષ્ટ્રમાં રવિવાર રકતરંજીત બન્યો હોય તેમ વંથલી, જામનગર, સાયલા, રાજકોટ અને ગોંડલ તેમજ દેવભૂમિ દ્વારકામાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીના કારણે બે મહિલા સહિત સાતની હત્યા થયાની પોલીસમાં નોંધાયું છે. પોલીસે સાતેય હત્યાનો ભેદ ઉકેલી સાત શખ્સોની ધરપકડ કરી છે જ્યારે રાજકોટની મહિલાની હત્યામાં સંડોવાયેલા આરોપી પૂજારીનું મોત થયાનું નોંધાયું છે.
સાયલા તાલુકાના ખીતલી ગામના ધી‚ભાઇ જેસુરભાઇ ખવડ તેમના મિત્ર અજય ગભ‚ભાઇ ખવડ સાથે સુદામણા કારમાં જઇ રહ્યા હતા ત્યારે તેના જ ગામના હર્ષદ રવિરામ બાવાજી સાથે સાઇડ કાપવાના પ્રશ્ને બોલાચાલી થતા હર્ષદ બાવાજીએ પોતાની પાસે રહેલા તમંચામાંથી ફાયરિંગ કરતા ગંભીર રીતે ઘવાયેલા ધીરૂભાઇ ખવડનું મોત નીપજતા સાયલા પોલીસે બાવાજી શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
વંથલીના બદ્રા ગામે રહેતી મંજુબેન અશોકભાઇ ચૌહાણ નામની પરિણીતા પોતાના પુત્ર સાથે દવા લઇ પરત ઘરે આવી રહી હતી ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે લીફટ આપી બાઇકમાં બેસાડી અપહરણ કરી બાઇક પર ભાગી ગયા હોવાથી મંજુબેને બુમાબુમ કરતા જીતેન શાંતિલાલ મકડીયા સહિતના યુવાનોએ બાઇક પર પીછો કરતા ચાલુ બાઇકે મંજુબેનને ધક્કો મારી પછાડી દેતા ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું મોત નીપજતા પોલીસે બાઇક ચાલક સામે હત્યાનો ગુનો નોંધી નંબરના આધારે શોધખોળ હાથધરી છે.
ગોંડલના જેતપુર રોડ પર આવેલા જયશ્રીનગરમાં રહેતા હિરેન સુરેશભાઇ છાટબાર નામના યુવાન એકાદ માસ પહેલાં થયેલી બોલાચાલીના કારણે શનિવારે હનુમાનજી મંદિરે શ્રીફળ વધેરીને પરત આવી રહ્યો હતો ત્યારે તેને આંતરી હુસેન મકસુદ શેખા, મોઇન મકસુદ શેખા અને સલિમ હુસેન મતવા નામના શખ્સોએ છરીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાતે તેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા પોલીસે ત્રણેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
થોરાળા વિસ્તારમાં રહેતા તોસિફ સલીમભાઇ ઓડીયા નામના ૨૩ વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતી શારદાબેન સાથે આડા સંબંધ હોવાની શંકા સાથે ગત તા.૧૨ ફેબ્રુઆરીએ શારદાબેનના ભાઇ જયસુખ અને એક અજાણ્યા શખ્સે સિવિલ હોસ્પિટલેથી અપહરણ કરી કાળીપાટ પાસે લઇ જઇ માર મારતા ગંભીર રીતે ઘવાયેલા તોસિફ ઓડીયાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે જયસુખ, દિપો અને બે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ત્રણને ઝડપી લીધા છે.
કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી પૂનમ ઉર્ફે પૂર્વીબેન દિનેશભાઇ પરમાર નામની ૩૦ વર્ષની પરિણીતાને ગત તા.૧૩ ફેબ્રુઆરીએ કાલાવડ રોડ પર કોસ્મો ચોકડી પાસે મહાકાલ મંદિરના પૂજારી રાકેશ ઉર્ફે બોનીએ ધરાર શરીર સંબંધ બાધવા દબાણ કરી તેનો ઇન્કાર કરતા જીવતી સળગાવી દીધી હતી તેણીનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.પૂનમ ઉર્ફે પૂર્વીને જીવતી સળગાવી ત્યારે રાકેશ ઉર્ફે બોની પણ દાઝી જતા તેનું ગત તા.૧૪ ફેબ્રુઆરીએ મોત નીપજ્યું હતું.
દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીક આરંભડા ગામે રહેતા રાજેશભાઇ મુળુભા માણેક નામના ૧૯ વર્ષના યુવાનની જૂની અદાવતના કારણે ભરત ઉર્ફે કાળો જડીયા, રવુભા માણેક અને સુનિલભા કાલુભા જડીયા નામના શખ્સોએ છરીથી હુમલો કરી હત્યા કર્યાનું અને નાગેશ્વર રહેતા ગગુભા માણેક ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
જામનગરની ખોડીયાર કોલોની પાસે બાવરીવાસમાં રહેતા અનિલ દાદારાવ પાટીલ નામના મરાઠા યુવાનની તેના પુત્ર યોગેશની નજર સામે દા‚ડીયા કાળુ મરાઠા નામના શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. પોલીસ તપાસ દરમિયાન કાળુ મરાઠા અવાર નવાર દારૂ માટે પૈસા માગતો હોવાથી તેને પોલીસમાં પકડાવવાનું કહેતા પોતે જ સામેથ બાઇક પાછળ બેસી ચાલ મને પોલીસમાં પકડાવ તેમ કહેતા પિતા-પુત્ર કાળુ મરાઠાને બાઇક પર પોલીસ સ્ટેશન લઇ જઇ રહ્યા હતા ત્યારે ચાલુ બાઇકે અનિલભાઇ પાટીલના પડખામાં છરીનો ઘા ઝીંકી કાળુ મરાઠાએ હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે કાળુ મરાઠાની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.