તાંત્રિકવિધિના બહાને જામનગરના પરિવારે કરી ઠગાઈ
જામનગરના વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા એક તાંત્રિકે પોતાનાપરિવાર સાથે મળી અને પોરબંદર પંથકમાં જમીનમાંથી ગુપ્ત ધન કાઢી આપવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવા અંગેજિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત થઈ છે અને આ શખ્સો સામે કડક પગલા ભરવા પણ માંગ થઈ છે.
રાણાવાવના સ્ટેશન પ્લોટમાં રહેતા નાગાજણ વિક્રમભાઈ મોઢવાડિયા(ઉ.૨૫) નામના યુવાને જિલ્લાપોલીસ વડાને કરેલ લેખિત રજૂઆતમાં એવું જણાવ્યું હતું કે, પોરબંદરનાછાયા વિસ્તારમાં રહેતા દિલીપ માલદે ઓડેદરા તેનો વર્ષોથી મિત્ર છે. દિલીપભાઈ જયોતિષના કામ માટે જામનગરના વિનાયક પાર્કમાં આવેલા મધુરમ રેસીડેન્સીમાં રહેતા અને ગોરપદુ કરતા હરસુખ ઉર્ફે હરુબાપુ મનુભાઈ લાબડીયા (ઉ.૫૧), હરુબાપુના પત્ની અને હરુબાપુના પુત્ર આકાશ(ઉ.૨૪)ને ત્યાં આવતા જતા રહેતા આથી આ રીતે તેઓ નાગાજણના પણ સંપર્કમાં હતા.
થોડા સમય અગાઉ હરુબાપુ પોરબંદર સારવાર માટે આવતા ત્યારે નાગાજણને બોલાવી અને વારંવાર ગુપ્તધન મળશે અને તેના નસીબમાં ગુપ્તધન છે જે તેને અપાવીને જ રહેશે તેવી ખાતરી પણ આપતા હતા અને જો છ મહિનામાં તને ગુપ્તધન ન અપાવું તો હું જાતે મારું માથું કલમ કરી નાખીશ તેમ કહ્યું હતું. બાદ દિવાળી પછી નાગાજણ ને કલ્યાણપુર તાલુકાના હનુમાનગઢ ગામે હરુબાપુના ઘરે બોલાવ્યા હતા અને ત્યાં ઘરમાં જુનવાણી ઘડામાંથી સોનાના જુદા જુદા પ્રકારના દાગીના બતાવ્યા હતા જે ઘડો જુનવાણી તાંબાનો બે ફૂટ લાંબો હતો અને આનાથી પણ મોટા બે ઘડા તેમની પાસે હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.નાગાજણને એવી બીક બતાવી હતી કે મારા જયોતિષ જ્ઞાન મુજબ તું ગુપ્તધનની વિધિ નહીં કરાવે તો તારા પરિવાર પર મોટું જોખમ છે તેમ નાગાજણને ભયમાં મૂકી તેમની પાસે વિધિ કરાવવા અને ગુપ્ત ધન મેળવી આપી તેમના ઘર પરથી ઘાત અને ભય દૂર કરવા તાંથિક વિધિકરવા તેમની પાસેથી કટકે કટકે ૧૧ લાખ રૂપિયા લીધા હતા.