સવારથી વિવિધ કાર્યક્રમો બાદ ભવ્ય શોભાયાત્રા અને સમુહ ભોજન યોજાયુ
કેશોદ શહેરમાં સિંધી સમાજ દ્વારા ગુરૂનાનક જન્મજયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કેશોદ જુના ગામમાં આવેલા ગુરૂનાનક મંદિર, દવે શેરી ખાતે સવારથી ગુરૂસાહેબ સંગાશન બ્રીજમાન, મંગલા પૂજન અર્ચન વિધિ, આસાદીવાર અરદાસ પ્રસાદ, ધ્વજારોહણ, આરતી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સાંજના સમયે ગુરૂદ્વારેથી વાજતેગાજતે ગુરૂ ગ્રંથ સાહેબની સવારી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને પાણીના છંટકાવ સાથે પવિત્ર કરી ગુરૂનાનક મંદિર પહોંચી હતી. વાહે ગુરૂજી કા ખાલસા…. વાહે ગુરૂજી કી ફતેહ….ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કેશોદ ઝુલેલાલ સેવા સમિતિના જેન્તિભાઇ આહરા, મહેન્દ્રભાઇ કેવરાણી, નિમૈશભાઇ લાલવાણી થાવાણી સાહેબ સહિતના આગેવાનો-યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી. સ્વામી લીલાશાહ સિંધી વાડી, મધુવનનગર ખાતે સમુહભોજન-પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીના સમયે ગુરૂવાણી-ભજન-કિર્તન અને ગુરૂનાનક સાહેબ જન્મોત્સવ, ડોલી ઉતારો, આતસબાજી, પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. કેશોદ શહેરના સિંધી વેપારીઓ દ્વારા બપોર પછી વેપાર ધંધા રોજગાર બંધ રાખ્યા હતાં. કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.