સવારે જોરદાર ઝાકળવર્ષા, રોડ ભીના થઈ ગયા: વિઝિબિલિટી માત્ર ૧૦૦૦ મીટર: આહલાદક વાતાવરણ
રાજકોટ:દિવાળીના તહેવાર બાદ પણ હજી બપોરે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યા છે. લોકો ઠંડીનો ઈન્તજાર કરી રહ્યા છે ત્યારે આજે સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ઝાકળવર્ષા થવા પામી હતી. ઝાકળના કારણે વાતાવરણ ભારે આહલાદક બની ગયું હતું. આવતીકાલે પણ ઝાકળવર્ષાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૧.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. આજે સવારે જોરદાર ઝાકળવર્ષા થવા પામી હતી.
જોરદાર ઝાકળના કારણે સવારે એક કલાક માટે વિઝિબિલિટી ૧૦૦૦ મીટર રહેવા પામી હતી. મુસાફરો હેરાન ન થાય તે માટે ગત ઓકટોબર માસથી ફલાઈટના શેડયુલમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે અને રાજકોટથી મુંબઈ અને દિલ્હી જતી ફલાઈટ મોડી કરી દેવામાં આવી છે. આજે સવારે જોરદાર ઝાકળવર્ષાના કારણે રાજમાર્ગો ભીના થઈ ગયા હતા.
સામાન્ય રીતે ઝાકળવર્ષાની સાયકલ ત્રણ દિવસ રહેતી હોય છે. આવતીકાલે પણ ઝાકળવર્ષાની સંભાવના રહેલી છે. ૧૫મી નવેમ્બર બાદ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે પવનની દિશા ફર્યા બાદ ઠંડીનું જોર વધશે.