ખોરાણા ગામના વિધવા વૃદ્ધાનું કોમ્પ્યુટર યાદીમાં નામ આવ્યા બાદ ટીડીઓને ૧૦ હજારની લાંચ ન આપતા સહાય અટકાવવામાં આવી હોવાનો આક્ષેપ
ખોરાણા ગામના વિધવા વૃદ્ધાનું આવાસ યોજનાની કોમ્પ્યુટર યાદીમાં નામ આવ્યા બાદ ટીડીઓને ૧૦ હજારની લાંચ ન આપતા સહાય અટકાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે તંત્રને અનેક રજુઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા આજ રોજ વૃદ્ધાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે તેમને અટકાવીને ધરપકડ કરી હતી.
રાજકોટ તાલુકાના ખોરાણા ગામના જયાબેન સામજીભાઈ દંતેસરીયાનું પ્રધાનમંત્રી આવાસ યોજનાની કોમ્પ્યુટર યાદીમાં નામ આવ્યું હતું. યોજનામાં વૃદ્ધાએ સરકારી ધારાધોરણ પ્રમાણે તમામ પ્રકારની કાર્યવાહી કરી હતી. ટીડીઓએ રૂ.૧૦ હજારની લાંચ માંગી હતી આ લાંચ વૃદ્ધા દ્વારા આપવામાં ન આવતા ટીડીઓએ આવાસ યોજનાની સહાય અટકાવી દીધી હોવાનો વૃદ્ધાએ આક્ષેપ કર્યો છે.
વૃદ્ધાના જણાવ્યા મુજબ તેઓએ અનેક વખત આ મામલે તંત્રને રજુઆત કરી છે ઉપરાંત મુખ્યમંત્રીના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા અંતે આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેના પગલે આજરોજ વૃદ્ધાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઉપસ્થિત પોલીસના કાફલાએ વૃદ્ધાને અટકાવીને તેની ધરપકડ કરી હતી.