વિશ્વ વંદનીય પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પૂજય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખ પ્રતિભા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રમુખ પ્રતિભા પર્વ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન, પ્રશ્નોતરી, એકપાત્રીય અભિનય સમુહગાન, વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં રાજકોટની ૧૫૦ થી વધુ શાળાઓના ૩૦૦૦થી અધિક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા થનાર બાળકોનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જય પરીખે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ નિમિતે બીએપીએસ સંસ્થા દ્વારા થતા સામાજીક અને શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ પ્રતિભા પર્વના કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થનાર બાળકોનું સન્માન સમારોહ આજરોજ યોજવામાં આવ્યો છે. ઉપરાંત ખાસ તો તેમનો ધ્યેય હતો કે પ્રમુખસ્વામી મહારાજના વિચારોને તેઓ વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકે.
આજના કાર્યક્રમમાં રાજકોટના મેયર બીનાબેન આચાર્ય પણ ખાસ હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન પુરુ પાડયું હતું. અંદાજે ૧૫૦થી વધુ બાળકોએ ઈનામ મેળવ્યું હતું. ગઢીયા હસ્તીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પ્રોગ્રામનું આયોજન કરવા પાછળનું કારણ એ છે કે માત્ર બાળકોમાં રહેલી પ્રતિભા ખીલે. બાળકોનો ખુબ જ સાથ સહકાર મળ્યો છે અને અપૂર્વમુની સ્વામી દ્વારા પ્રવચન પણ આપવામાં આવ્યું હતું.ભાગ લેનાર હેત્વી કટારીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે નિબંધ લેખનમાં ભાગ લીધો હતો જેનો વિષય ‘આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો’ હતો અને તેમને ઘણુ મોટીવેશન મળ્યું. મંદિરનું વાતાવરણ શાંતિમય હોવાથી અતિ આનંદ અને શાંતી અનુભુતી થાય છે તેમ જણાવ્યું.