મેળામાં સ્ટોલધારકો દ્વારા ચલાવાતી ખુલ્લેઆમ લુંટ રોકવા તેમજ આરોગ્યના ધારા-ધોરણોનું ફરજીયાતપણે પાલન કરવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને રજુઆત
૧લી સપ્ટેમ્બરને શનિવારથી સૌરાષ્ટ્રનો ભાતીગળ લોકમેળો રાજકોટમાં રેસકોર્સ ખાતે ખુલ્લો મુકાશે. આ વર્ષે ગોરસના નામથી યોજાનારા આ મેળામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખો લોકો પરીવાર સાથે મેળાની મોજ માણશે તો આ સાથે ચોરી-લુંટફાટનો ભય પણ વધુ રહે છે. તેમાં પણ ખાસ કરીને રાત્રે ભીડ સમયે ખાણી-પીણી અને ફજર ફાળકા, ચકરડી સહિતના સ્ટોલ ધારકો દ્વારા ખુલ્લી અને ઉઘાડી લુંટ થાય છે. આઈસ્ક્રીમના સ્ટોલ ધારકો પણ પ્રિન્ટ કરતા બમણા ભાવો પડાવે છે ત્યારે મેળામાં લોકો લુંટાઈ નહીં તે માટે યોગ્ય કાર્યવાહી કરવા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તંત્રને રજુઆત કરાઈ છે.
રજુઆતમાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા જણાવાયું છે કે, મેળાની શીફટમાં ફરજ બજાવતા અધિકારીઓ, સ્ટોલ કે કંટ્રોલમમાં બેસી રહેવાને બદલે રાઉન્ડ પર નીકળે. આ ઉપરાંત મેળામાં ડિસ્પોઝીબલ કપ, ડીસ, ગ્લાસનો ઉપયોગ થાય, સ્ટોલ ધારકો સ્વચ્છતાના ધારાધોરણોનું પાલન કરે, તેમજ ચકરડીવાળા ભાવ બાંધણાનો ફરજીયાત અમલ કરે, ફુડ લાયસન્સ ન ધરાવનારાઓ વિરુઘ્ધ કાર્યવાહી થાય તેમજ ટ્રાફિકને અડચણપ થાય તે રીતે ખાણીપીણીવાળાઓને ઉભા ન રહેવા દેવા અને આરોગ્યના જાહેરનામા બહાર પાડી તેનો કડક અમલ કરાવવા કોંગ્રેસે માંગ કરી છે.
આ અંગે વોર્ડ નં.૩ના કોર્પોરેટર અને વિરોધ પક્ષના દંડક અતુલ રાજાણીની આગેવાનીમાં જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું. આ તકે વોર્ડ પ્રમુખ ગૌરવ પુજારા, કોંગી અગ્રણી યતીન વાઘેલા, યુથ કોંગ્રેસના ચંદ્રેશ રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.