ટાગોર રોડ પર માર્જીન પાર્કિંગ લેવલ ઝીરો કરાવવા ૯ સ્થળે ડિમોલીશન
માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દુર કરવા માટે અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા કોમર્શીયલ બિલ્ડીંગો સામે જ કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ આજે પ્રથમવાર રેસીડેન્સીયલ મિલકત સામે પણ કાર્યવાહી કરાઈ હતી. એસ્ટ્રોન ચોકમાં સત્યકુંજ નામના બંગલાની બહાર પાર્કિંગમાં ખડકાયેલી રેલીંગ પર પણ આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
માર્જીન પાર્કિંગ લેવલ ઝીરો કરાવવા માટે આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૭માં ટાગોર રોડ પર ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં એસ્ટ્રોન ચોકમાં લેન્ડમાર્ક બિલ્ડીંગમાં રજની અલ્પાહાર, રાધે ક્રિષ્ના ટી સ્ટોલ પર પાર્કિંગની જગ્યામાં ખડકેલું દબાણ દુર કરી દેવામાં આવ્યું છે. જયારે બિલ્ડીંગ દ્વારા પાર્કિંગની જગ્યામાં આવેલી જારી પણ હટાવી દેવામાં આવી હતી. ટાગોર રોડ પર સત્યકુંજ બંગલા દ્વારા રોડ પર પાર્કિંગ માટેની એક રેલીંગ બનાવવામાં આવી હતી જે આજે હટાવી દેવામાં આવી હતી.
જયારે ટાગોર રોડ પર માતી મેનોર, સમર્પણ કોમ્પ્લેક્ષ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ અને તેની પાસે તથા મંગલા રોડ કોર્નર પાસે એક રેકડી ઉપરાંત કેબીન અને છાપરાનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. આજે કુલ ૯ સ્થળોએ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું અને આસામીઓ પાસે રૂ.૪૮ હજારનો વહિવટી ચાર્જ વસુલ કરાયો હતો.